Connect Gujarat
ગુજરાત

નવસારી: 5 કરોડ મામલે 5 ગોળીઓ ધડાધડ ધરબી! બોલીવુડ કનેક્શન ધરાવતા વસીમ બીલ્લાની હત્યા..!

નવસારી: 5 કરોડ મામલે 5 ગોળીઓ ધડાધડ ધરબી! બોલીવુડ કનેક્શન ધરાવતા વસીમ બીલ્લાની હત્યા..!
X

દુશ્મનીની આગ કયારેક જ્વાળામુખીમાં પરિણમતી હોય છે અને તે મોતના કારણ માટે જવાબદાર બનતી હોય છે. આવું ખાસ કરીને ગેંગસ્ટરોની દુનિયામાં બનતું હોય છે. સુરતના ભાઈલોગ કહેવાતા વસીમ બીલ્લાને નવસારીના છાપરા ગામેં અજાણ્યા 4 બાઇક સવારોએ ગોળી મારી હત્યા કરીને ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગયા હતા. આ હત્યા પૈસાની લેતીદેતી મામલે થઈ હોવાની આશંકા છે.

નવસારી શહેરની લગોલગ આવેલ છાપરા ગામની મણીનગર સોસાયટી પાસે આવેલ બોસ જીમમાં વસીમ બીલ્લા નામનો ઈસમ પોતાની રોજિંદી કસરત કરીને કારમાં બેસીને ઘરે જવા નીકળ્યો હતો. વસીમના નિકળતાની સાથે જ બાઇક સવાર 4 ઈસમોએ રકઝક બાદ વસીમ બીલ્લાની ગોળી મારી હત્યા કરી નાખી હતી. ફાયરીંગ બાદ બાઇક સવાર ચારેય ઇસમો ઘટના સ્થળેથી પલાયન થઈ ગયા હતા. જખમી બનેલા વસીમ બીલ્લાને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. મૃતક વસીમ બીલ્લા અલગ અલગ ગુનામાં સુરતથી તડીપાર થઈને નવસારીના રંગુનવાલા નગરમાં રહેતો હતો.

સુરતમાં ભાઈની ઉપમા ધરાવતા વસીમ બીલ્લાનો બોલીવુડની હસ્તીઓ સાથે પણ સારો સંબંધ હતો. ગુનાની દુનિયામાં સંડોવણીના કારણે અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા સેવાઇ રહી છે. આધારભૂત સૂત્રો પ્રમાણે આ હત્યા 5 કરોડ રૂપિયાની લેતી દેતીમાં થઈ હોય એવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે. નવસારી જિલ્લા પોલીસે ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી છે. હત્યારાઓને ઝડપી પાડવા માટે શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. સાથે હોટેલ રેસ્ટોરન્ટનું ચેકીંગ પણ વધારી દેવાયું છે. પોલીસે જે સમયગાળા દરમ્યાન ફાયરિંગ થયું હતું તે સમયના સીસી ટીવી પર પણ નજર રાખી ગુનો ઉકેલવા માટે ટિમો તૈયાર કરી દીધી છે.

Next Story