લોકોને કરોડપતિ બનાવવાનું સપનું બતાવી છેતરપિંડી
છેતરપિંડી આચરનાર ઠગબાજ મામા-ભાણેજનો પર્દાફાશ
દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસને મળી સફળતા
બન્ને ઠગબાજોની મધ્યપ્રદેશના ઇન્દોરથી ધરપકડ કરાય
રોકડ, લેપટોપ, મોબાઈલ બેન્ક કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત
દેવભૂમિ દ્વારકામાં લોકોને 'કરોડપતિ' બનાવવાનું સપનું બતાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ઠગબાજ મામા-ભાણેજની સાયબર ક્રાઇમ પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસને સાયબર ફ્રોડનો મોટો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જેમાં 'કરોડપતિ' બનાવવાનું સપનું બતાવી લાખો રૂપિયા ખંખેરનાર મામા-ભાણેજની ઠગ જોડી મધ્યપ્રદેશના ઇન્દોરથી ઝડપાય છે. શેરબજારમાં રોકાણના નામે રૂ. 41 લાખથી વધુની છેતરપિંડી કરનાર મામા-ભાણેજની ઠગ જોડી ફેક વેબસાઇટ બનાવીને લોકો સાથે છેતરપિંડી આચરતી હતી.
આરોપીઓ ફેસબુક પર 'nova wealth' નામની જાહેરાતો મુકી લોકોને 100% નફાની લાલચ આપતા હતા. એટલું જ નહીં, ફરિયાદીના પ્રોફાઇલમાં 2 કરોડનો ખોટો નફો દર્શાવી વિશ્વાસ કેળવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર પંકજ ઉર્ફે પિયુષ રાઠોડ અને તેના મામા બસંત સોલંકીની ધરપકડ કરી છે.
એટલું જ નહીં, આરોપી પાસેથી રોકડા 6,91,000, લેપટોપ, 7 મોબાઈલ ફોન અને 13 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરી ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.