/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-312.jpg)
ઉત્તર ભારતમાં આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા ઉત્તર ભારતમાં રહેતા ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. તો સાથે જ મંદિર “જય શિવ ઓમકારા, હર શિવ ઓમકારા”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં હજુ શ્રાવણ માસને થોડા દિવસોની વાર છે, પરંતુ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. શ્રાવણ માસ અને તેમાં પણ સોમવાર એટલે શિવ ભક્તો માટે આજનો દિવસ ખૂબ ખાસ માનવામાં આવે છે. આજના દિવસે શિવ ભક્તો શિવાલયોમાં જઇ ભગવાન શિવના દર્શન, પૂજા અને આરાધના કરે છે. ત્યારે દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દેશના ખૂણે ખૂણેથી આવેલા શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ભગવાન સોમનાથના મંદિરે આવી પહોંચ્યા હતા.
હિન્દૂ ધર્મમાં શ્રાવણ માસનું ખૂબ મહત્વ છે. ભગાવન શિવનો પ્રિય આ મહિનો છે, અને ભગાવન શિવને શ્રાવણ માસનો સોમવાર અતિ પ્રિય છે. આજના દિવસે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરવાથી અને જળાભિષેક કરવાથી પાપનો નાશ થાય છે અને દુઃખ દરિદ્ર દૂર થાય તેવી લોક વાયકા છે. સોમનાથ મહાદેવ મંદિર પરિસર હરહર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી ઊઠ્યું હતું. સોમનાથ મહાદેવ ભગવાનની વહેલી સવારની આરતીનું પણ ખાસ મહત્વ છે, જેના કારણે દેશ દુનિયાના શ્રદ્ધાળુઓ આરતીના દર્શન અચૂક કરે છે. વહેલી સવારે આરતીની એક ઝલક મેળવવા શ્રદ્ધાળુઓમાં પડાપડી પણ થાય છે.