/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/23-1.jpg)
પગના પંજા કપાયેલ અને આંખ ફોડી નાંખેલ અવસ્થામાં યુવાનની લાશ મળતા હત્યાની આશંકા પ્રબળ બની
વાગરાના ગંધાર ખાતે આવેલ ONGC ના જી.જી.એસ. 3 ના પ્લાન્ટમાંથી અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર મચી જવા પામી છે.યુવકની આંખ ફોડી નાંખેલ હોવા સાથે મૃતકના પંજા કપાયેલા હોવાનું માલુમ પડતા યુવકની હત્યા થઈ હોવાના અનેક તર્ક વિતર્કોથી રહ્યા છે.
વાગરાના ગંધાર ખાતે આવેલ ઓ.એન.જી.સી.ના જી.જી.એસ.-૩ પ્લાન્ટમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે વધુમાં પ્રાપ્ય વિગતો અનુસાર વાગરાના ગંધાર ગામ સ્થિત ONGC ના GGS-3 પલાન્ટમાં ટેન્ક નંબર -૨ પાસે અજાણ્યા યુવકની લાશ પડી હોવા અંગે ફરજ પરના સિક્યુરિટી જવાન દ્વારા વાગરા પોલીસને જાણ કરતા વાગરા પોલીસ જી.જી.એસ-૩ યુનિટ ખાતે પહોંચી હતી.પોલીસે તપાસ કરતા મૃતક યુવકના બન્ને પગના પંજા તેમજ એક આંખ ફોડી નાખી લાશને વિકૃત બનાવવામાં આવી હોવાની વિગતો ખુલવા પામી હતી. મૃતક યુવકના કાપી નાખવામાં આવેલા પંજા હજી સુધી મળી ન આવ્યા હોવાની માહિતી સાંપડી છે. આ અંગે વાગરા પોલીસે લાશનો કબ્જો મેળવી પી.એમ.અર્થે વાગરા રેફરલ હોસ્પિટલ રવાના કરવામાં આવી હતી.વાગરા પોલીસ દ્વારા મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પેનલ ડોકટરો ની ટિમ દ્વારા મૃતકનું પી.એમ. કરવામાં આવનાર છે.
ચકલું પણ ન ફરકી શકે તેવી જડબેસલાક સુરક્ષા વચ્ચે લાશ કંપનીમાં કઈ રીતે પહોંચી?
ONGC ના GGS-3 યુનિટ ખાતે થી અજાણ્યા યુવકની હત્યા કરેલ લાશ મળી આવી હતી. મૃતક ન તો કંપનીનો કર્મચારી હતો ના તો તેને કંપની સાથે કોઈ લેવા દેવા હતી.તો પછી મૃતક વ્યક્તિની લાશ કંપની સંકુલમાં કઈ રીતે પ્રવેશીએ તપાસનો વિષય બન્યો છે.કંપનીમાં પ્રવેશ માટે અંકલેશ્વર સ્થિત મુખ્ય કચેરીએ થી પરમિશન લેવાની હોય છે ત્યારે આવી ચુસ્ત સુરક્ષા ભેદીને મૃતક કંપની પ્રિમાઇસીસમાં કઈ રીતે પ્રવેશ્યો ?પંથકમાં થતી ચર્ચાઓ મુજબ કંપનીના સિક્યુરિટી સ્ટાફની સંડોવણી હોવાની શંકા દ્રઢ બનવા પામી છે.આમ સિક્યુરિટી સ્ટાફ સામે શંકાની સોય તકાઈ રહી છે.
લાશની આમન્યા જાળવવામાં પોલીસના ત્રણ સ્ટાર નિષ્ફળ
ગંધાર ખાતે આવેલ ONGC ના GGS -3 યુનિટમાંથી લાશ મળી આવ્યા અંગેની વાત પોલીસને જાણવા મળતા વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.સવારના ૯ થી ૧૦ વાગ્યાના અરસામાં પોલીસ ઓ.એન.જી.સી.ના યુનિટમાં તપાસ હાથ ધરી રહી હતી. જેમાં ભરૂચના ડી.વાય.એસ.પી.વાઘેલા તેમજ આમોદ પી.એસ.આઈ કેતન ચૌધરી તપાસમાં જોતરાયા હતા.પરંતુ સવારની શરૂ થયેલ તપાસ સાંજે પુરી થઈ હતી. ત્યાં સુધી લાશ ઘટના સ્થળે તડકામાં જ પડી રહી હતી. પોલીસની ઢીલી નીતિ રીતીને કારણે લાશ ત્યાંજ રઝળતી હાલતમાં કલાકો સુધી પડી રહેતા લાશ દુર્ગંધયુક્ત બની ગઇ હતી. આમ લાશની આમન્યા જાળવવામાં વામણી પુરવાર થયેલ પોલીસ વિરુદ્ધ પંથકના લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી.
એમ્બ્યુલન્સમાં બેસવા ONGC ના કર્મચારીઓની આના- કાની
ગંધાર ઓએનજીસી ના જીજીએસ ૩ એકમ માંથી મળી આવેલ લાશ સંદર્ભે પોલીસ દ્વારા તપાસમાં વિલંબ કરાતા લાશ દુર્ગંધ મારતી થઈ ગઈ હતી. જેને કારણે લાશને પી.એમ અર્થે લઈ જતી વખતે ઓ.એન.જી.સી.ના કર્મચારીઓ એમ્બ્યુલન્સ વાન માં બેસવા આના-કાની કરતા નજરે પડયા હતા.ONGC ના કર્મચારીઓ પણ માનવતા ચુકી જવામાં સફળ રહ્યા હતા.