રવિવારે રમાયેલા આઈપીએલ 2026ના રોમાંચક મુકાબલામાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને 54 રને હરાવીને પોઈન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્યા અને ઓસ્ટ્રેલિયન ખેલાડી કૂપર કોનોલીની વિસ્ફોટક બેટિંગના દમ પર પંજાબે 6 વિકેટે 254 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જે આ સીઝનનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર છે.

પંજાબનો ઐતિહાસિક સ્કોર

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સની શરૂઆત સારી રહી હતી. પ્રિયાંશ આર્યાએ માત્ર 37 બોલમાં 9 છગ્ગાની મદદથી 93 રન ફટકાર્યા હતા. બીજી તરફ કૂપર કોનોલીએ 45 બોલમાં 87 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બંનેએ બીજી વિકેટ માટે માત્ર 80 બોલમાં 182 રનની ભાગીદારી કરી હતી. પંજાબે આ ઈનિંગમાં કુલ 21 છગ્ગા ફટકાર્યા હતા.

લખનૌની લડત અને હાર

255 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 200 રન જ બનાવી શકી હતી. ઓપનર મિશેલ માર્શ અને આયુષ બડોની (35) એ 61 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન ઋષભ પંતે 43 રન અને એડન માર્કરામે 42 રન બનાવીને લડત આપી હતી, પરંતુ અર્શદીપ સિંહ અને માર્કો યાનસેનની ધારદાર બોલિંગ સામે લખનૌના બેટ્સમેનો લાંબો સમય ટકી શક્યા નહોતા.