Connect Gujarat
Featured

રાજયની 6 મહા નગરપાલિકામાં છુટાછવાયાં બનાવોને બાદ કરતાં શાંતિપુર્ણ મતદાન

રાજયની 6 મહા નગરપાલિકામાં છુટાછવાયાં બનાવોને બાદ કરતાં શાંતિપુર્ણ મતદાન
X

રાજયમાં 6 મહાનગરપાલિકાઓમાં છુટછવાયાં બનાવોને બાદ કરતાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન થયું છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરો વચ્ચે બોલાચાલી તથા ઝપાઝપીના બનાવો બન્યાં હતાં. જામનગરમાં મતદારોનો ભારે ઉત્સાહ તથા અમદાવાદીઓ મતદાન પ્રતિ નિરસ જણાયાં હતાં.....

કોરોનાની મહામારી વચ્ચે આખરે મહાનગરપાલિકાઓની ચૂંટણી રવિવારના રોજ યોજાઇ હતી. મહાનગરપાલિકાઓ કબજે કરવા માટે ભાજપ, કોંગ્રેસ, આપ, એઆઇએમઆઇએમ સહિતની રાજકીય પાર્ટીઓએ છેલ્લી ઘડી સુધી જોર લગાવ્યું હતું. રવિવારે સવારે 7 વાગ્યાથી વિવિધ મતદાન મથકો ખાતે મતદાનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરેક મતદાન મથકો ખાતે ચૂંટણીપંચની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. સૌથી પ્રથમ વાત કરીશું અમદાવાદ મહાનગરપાલિકાની.. અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડની 192 બેઠકો માટે 773 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના રાજકીય આગેવાનોએ મતદાન કર્યું હતું. અમદાવાદ ખાતે મતદારોનો નિરસ મિજાજ જોવા મળ્યો હતો. અમદાવાદની વાત કરવામાં આવે તો બપોર સુધી મતદાનની ટકાવારી 10 ટકાની અંદર રહી હતી. મતદાનની ટકાવારી વધારવા મતદારોને મતદાન મથકો સુધી ખેંચી લાવવામાં રાજકીય પાર્ટીના આગેવાનો અને કાર્યકરોને પરસેવા છુટી ગયાં હતાં. અમદાવાદમાં કેટલાય બુથ ખાતે ઇવીએમ ખોટકાવાના તથા બોગસ મતદાનની બુમો ઉઠી હતી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અમદાવાદમાં સપ્તપદીના ફેરા ફરતાં પહેલાં મતદાનની ફરજ નિભાવી હતી. અમદાવાદ શહેરના લઘુમતી બાહુલ્ય ધરાવતાં વિસ્તારોની વાત કરવામાં આવે તો આ વખતે અહીંથી એઆઇએમઆઇએમએ પણ ઉમેદવારો ઉભા રાખ્યાં છે. અમદાવાદના અન્ય વિસ્તારોની સરખામણીએ લઘુમતી વસતી ધરાવતાં વિસ્તારોમાં મતદાનની ટકાવારી વધારે રહી હતી.


સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પર નજર કરવામાં આવે તો સુરતમાં 30 વોર્ડની 120 બેઠકો માટે મતદાન થયું હતું. સુરતમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઝંપલાવતાં જંગ રસપ્રદ બન્યો હતો. સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, આરોગ્યમંત્રી કુમાર કાનાણી સહિતના નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સુરતમાં પણ મતદાન નિરસ રહયું રહયું હતું. સુરતમાં કોરોનાના કહેર બાદ લોકોમાં ભય ફેલાયો છે જેની અસર મતદાન પર જોવા મળી હતી. ચૂંટણીને અનુલક્ષી રાજકીય પાર્ટીઓના કાર્યકરોમાં જેટલો ઉત્સાહ હતો તેટલો ઉત્સાહ મતદારોમાં જોવા મળ્યો ન હતો. સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે બોલાચાલીની ઘટનાઓ બની હતી. મતદાનની ટકાવારી વધારવા છેલ્લી ઘડી સુધી નેતાઓ અને કાર્યકરો દોડધામ કરતાં જોવા મળ્યાં હતાં. સુરતમાં પણ નવોઢા મતદાન માટે મતદાન મથક ખાતે પહોંચી હતી. સુરતમાં પણ શાંતિપુર્ણ રીતે મતદાન થયું હતું..


સંસ્કારી નગરી વડોદરામાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડની 76 બેઠકો માટે 279 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયું છે. 1,225 મતદાન મથકો ખાતે સવારે 7 વાગ્યાથી મતદાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વડોદરામાં પણ મતદારોમાં ઉત્સાહનો અભાવ વર્તાયો હતો. વડોદરામાં હોસ્પિટલના બિછાનેથી પણ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે પહોંચતાં લોકશાહી જીવંત હોવાનો સહુને અહેસાસ થયો હતો. વડોદરાના 19 વોર્ડમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટકકર છે. વડોદરામાં બપોર સુધીમાં 3.96 લાખ જેટલા મતદારોએ તેમના મત આપ્યાં હતાં.


જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જામનગરના 16 વોર્ડમાં 236 ઉમેદવારો વચ્ચે જંગના મંડાણ થયાં હતાં. જામનગરમાં 4.89 લાખ જેટલા મતદારો નોંધાયેલાં છે. જામનગર મહાનગરપાલિકાની ટીકીટ ફાળવણી બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેમાં કકળાટ થયો હતો. ભાજપ અને કોંગ્રેસમાંથી અનેક રાજીનામાઓ પડયાં હતાં. જામનગરમાં મતદાનની ટકાવારી સૌથી ઉંચી રહી હતી. મતદારોએ ભાજપ અને કોંગ્રેસ કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે તો મતગણતરી બાદ જ ખબર પડશે..


રાજકોટ મહાનગરપાલિકાનો જંગ સૌથી વધુ ચર્ચાસ્પદ રહયો હતો. રાજકોટમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે મારામારીના બનાવો પણ બન્યાં હતાં. રાજકોટોમાં યુવાનોથી માંડી વયસ્કો સુધીના મતદારો પોલિંગ બુથ ખાતે જોવા મળ્યાં હતાં. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. રાજકોટ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોમ ટાઉન હોવાથી આ મહાનગરપાલિકા કબજે કરવા ભાજપે શામ-દામ- દંડ અને ભેદની નિતિ અપનાવી હતી. ટીકીટ ફાળવણી બાદ રાજકોટ મનપામાં પણ દાવેદારોમાં નારાજગી વર્તાઇ હતી. સવારથી જ રાજકીય પાર્ટીઓના કાર્યકરો મતદારોને મતદાન માટે પોલિંગ બુથ સુધી લઇ જવાની મહેનત કરતાં નજરે પડયાં હતાં. લોકશાહીને જીવંત અને ધબકતી રાખવા રાજકોટવાસીઓએ મતદાન તો કર્યું હતું પણ ટકાવારી ઓછી રહી હતી.


ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે 211 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયાં છે. ભાજપના પુર્વ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓ અને અધિકારીઓએ તેમના મત આપ્યાં હતાં. ભાવનગર મહાનગર પાલિકા માટે 5 લાખ કરતાં વધારે મતદારો નોંધાયેલાં છે. આ મહા નગરપાલિકામાં પણ મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. ભાવનગરમાં બપોર સુધીમાં 32 ટકા જેટલું મતદાન થયું હતું. કોરોનાની અસર મતદાન ઉપર જોવા મળી હતી. મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 469 જેટલા પોલિંગ બુથ ઉભા કરાયાં હતાં. દરેક મતદાન મથક ખાતે ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ભાવનગરમાં કોઇ પણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.


રાજયની મહાનગરપાલિકાઓમાં ગત ટર્મમાં ભાજપનું શાસન હતું. મતદાનની ઓછી ટકાવારીએ ભાજપના નેતાઓની ઉંઘ ઉડાવી દેતાં છેલ્લા બે કલાકમાં મતદાનની ટકાવારી વધારવા ભાજપે કમર કસી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના નેતાઓએએ ખોંખારીને ભાજપનો જવલંત વિજય થશે તેવો દાવો કર્યો છે જયારે કોંગ્રેસના નેતાઓએ માત્ર આશા વ્યકત કરી છે. રાજયમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી ખુબ મહત્વની છે ત્યારે કોણ બાજી મારશે તે મત ગણતરી બાદ જ ખબર પડશે. જો કોંગ્રેસનો દેખાવ નબળો રહેશે તો વિધાનસભાની ચૂંટણી પહેલાં પ્રદેશ નેતાગીરીમાં જડમુળથી ફેરફાર કરવા પડશે નહિતર કોંગ્રેસનો બદતર દેખાવ યથાવત રહેશે તેમ રાજકીય પંડિતો માની રહયાં છે.

Next Story