/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/Rupani-Raj-Babbar.jpg)
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટીકા કરતાં કહ્યું કે આ તો રાજ બબ્બરની નીચી માનસિકતાનું પ્રદર્શન છે
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે ગઇકાલે એક ચૂંટણી રેલીને સંબોધતા PM નરેન્દ્ર મોદીના માતાને લઇ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ નિવેદનની ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટીકા કરતાં કહ્યું કે આ તો રાજ બબ્બરની નીચી માનસિકતાનું પ્રદર્શન છે. હું તેમના આ નિવેદનની આલોચના કરું છું અને તેઓએ પીએમની માફી માંગવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે ઇન્દોરમાં એક રેલીને સંબોધતા રાજ બબ્બરે કહ્યું હતું કે જ્યારે તેઓ (પીએમ મોદી) કહેતા હતા કે ડોલરની સામે રૂપિયો એટલો બધો તૂટી ગયો છે કે તે સમયના પીએમની ઉંમર બતાવીને કહેતા કે તેમની ઉંમરની નજીક જ જઇ રહ્યો છે. આજે રૂપિયો તમારા પૂજનીય માતાજીની ઉંમરની નજીક નીચે પડવાનું શરૂ થઇ ગયું છે.રાજબબ્બરના આ નિવેદન બાદ કૉંગ્રેસને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અયોધ્યામાં ભગવાન રામ મંદિરના નિર્માણના મુદ્દાને લઇ ભાજપની નિયત પર પણ પ્રશ્નો ઉઠાવી રાજ બબ્બરે આકરા પ્રહારો કરી આરોપ મૂકયા હતા. અગાઉ છત્તીસગઢ ચૂંટણી દરમ્યાન પણ નકસલીઓને લઇ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે તેઓ ક્રાંતિ માટે નીકળ્યા છે.