રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), નવી દિલ્હીના સભ્ય પ્રિયાંક કાનુનગો આગામી તા.૨૨મી મે ૨૦૨૬ ના રોજ ભરૂચ જિલ્લાની મુલાકાતે પધારનાર છે. આ મુલાકાત દરમિયાન તેઓ જિલ્લામાં માનવ અધિકાર, સમાવેશી વિકાસ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની વિસ્તૃત સમીક્ષા કરશે. તેઓ દ્વારા  ખાસ કરીને રોજગાર અને કૌશલ્ય વિકાસ, બાળ અધિકારો, જુવેનાઈલ જસ્ટિસ સિસ્ટમ, માનવ તસ્કરી નિવારણ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોના અધિકારો તેમજ પંચાયતી રાજ સંસ્થાઓની કામગીરી જેવા મહત્વના વિષયો પર સમીક્ષા કરવામાં આવશે.
આ ઉપરાંત, નર્મદા વેલી સભ્યતા સાથે જોડાયેલા સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સ્થાનિક સમુદાયોના પ્રશ્નો અંગે પણ તેઓ ફિલ્ડ વિઝિટ અને પરામર્શ કરી શકે છે.આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતના આગોતરા આયોજન અને સંકલન માટે ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં  એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને જરૂરી વિગતો અને રેકોર્ડ સાથે ઉપસ્થિત રહ્યા હતા .