રાજકોટની દીકરીનો ઐતિહાસિક ડંકો

400 મી.દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

દેવયાની ઝાલા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇ

ગુજરાતની એકમાત્ર મહિલા એથ્લીટ બની

53.26 સેકન્ડમાં દોડ પૂર્ણ કરી રચ્યો ઇતિહાસ

રાજકોટની દીકરી દેવયાની ઝાલાએ ભુવનેશ્વર ખાતે યોજાયેલી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતીને 2026ની એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે. આ સિદ્ધિ મેળવનારા તેઓ ગુજરાતના એકમાત્ર મહિલા એથ્લીટ બન્યા છે.

રનિંગ ટ્રેક પર કઠોર શિસ્ત અને અથાક પરિશ્રમ થકી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની દેવયાનીએ રમતગમત ક્ષેત્રે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ભુવનેશ્વરમાં યોજાયેલી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 400 મીટર દોડ માત્ર 53.26 સેકન્ડમાં પૂર્ણ કરીને તેમણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે જ 2026માં યોજાનારી એશિયન ગેમ્સમાં પ્રવેશ મેળવનારા તેઓ ગુજરાતના પ્રથમ અને એકમાત્ર મહિલા એથ્લીટ બન્યા છે.

દેવયાનીની આ સફળતા પાછળ તેમના પિતાનો અડગ વિશ્વાસ, માર્ગદર્શન અને પ્રોત્સાહન મુખ્ય આધારસ્તંભ બન્યા છે. અગાઉ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સ્થાન મેળવવા ઉપરાંત દેવયાનીએ વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂરમાં પણ સિલ્વર મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું હતું. તેમની આ ઐતિહાસિક સિદ્ધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.

આ સિદ્ધિ રાજ્યના અન્ય ઉભરતા ખેલાડીઓ માટે પણ પ્રેરણાસ્રોત બની રહી છે. ગુજરાતમાં ઉપલબ્ધ આધુનિક તાલીમ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિણામે આજે રાજ્યના રમતવીરો વૈશ્વિક મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હવે 2026ની એશિયન ગેમ્સમાં દેવયાનીના ઉત્કૃષ્ટ પ્રદર્શન પર સમગ્ર રાજ્યની નજર રહેશે.