રાજકોટ ગ્રામ્ય SOGએ સોનાના દાગીનાની છેતરપિંડી કરતા શખ્સની કરી ધરપકડ

New Update
રાજકોટ ગ્રામ્ય SOGએ સોનાના દાગીનાની છેતરપિંડી કરતા શખ્સની કરી ધરપકડ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વૃદ્ધ દંપતીઓને વિશ્વાસમાં લઇને સોનાનાં દાગીના ઓળવી જતા શખ્સની રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં છેલ્લા ચાર વર્ષમાં આરોપીએ ૨૭ જેટલા વૃદ્ધ દંપતીઓના ૧૮ લાખનાં સોનાના દાગીનાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ પોલીસનાં સકંજામાં રહેલા શખ્સનું નામ છે નીમીશ ઉર્ફે નૈમીસ રસીકલાલ પુરોહિત.જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં આવેલી નાગરીક બેંક સોસાયટીમાં રહેતા નીમીશ ઉર્ફે નૈમીસ પુરોહિત પર આરોપ છે સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં ૨૭ જેટલા વૃદ્ધ દંપતીઓને વિશ્વાસમાં લઇ ૧૮ લાખના સોનાના દાગીનાંની છેતરપિંડી આચરવાનો. સમગ્ર મામલા પર નજર કરીએ તો, રાજકોટ જીલ્લાનાં ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ૧ નવેમ્બર, ૨૦૧૮નાં રોજ વૃદ્ધ દંપતી સાથે સોનાનાં દાગીના ઓળવી જઇ એક શખ્સે છેતરપિડીં આચરી હોવાની ફરીયાદ નોંધાઇ હતી. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જીએ ઉપલેટા, ધોરાજી સહિતનાં વિસ્તારોનાં સીસીટીવી તપાસતા તેજ વર્ણનનો શખ્સ કેદ થયો હતો. પોલીસ તપાસ કરતા આ શખ્સ જૂનાગઢ-ધોરાજી અવર-જવર કરતો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે વોચ ગોઢવી હતી ત્યારે આરોપી ત્યાંથી પસાર થતા પોલીસે દબોચી લીધો હતો. પોલીસ પુછપરછમાં તેને છેલ્લા ચાર વર્ષમાં ૨૭ જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી. હાલ પોલીસે આરોપી પાસેથી સોનાનાં દાગીના, સોનાનો ઢાળ મોબાઇલ અને રોકડ સહિત ૯ લાખ ૮ હજાર ૪૭૫નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

હાલ તો પોલીસે આરોપી નીમીશ ઉર્ફે નૈમીષ પુરોહિતની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતો કરી દીધો છે. જોકે પોલીસ તપાસમાં આરોપી જૂનાગઢનાં છાંયા બજારમાં ઓમ જ્વેલર્સનાં કિશોર સોની અને મનોજ સોની તેમજ તુકારામ દાદાસાહેબ કદમની સોનું ગાળવાની રીફાઇનરીનાં માલીક પણ સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. એટલું જ નહિં સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથનાં વેરાવળમાં ૩, કેશોદમાં ૨, જામનગરમાં ૪, રાજકોટમાં ૪ અને પોરબંદરનાં ૪ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. રાજકોટ જીલ્લામાં ઉપલેટા, ધોરાજી, જેતપુર અને ગોંડલ શહેરમાં પણ આ પ્રકારનાં ગુનાઓને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. વ્યાજે લીધેલા રૂપીયા ચુકતે કરતા એક પછી એક છેતરપિંડીનાં ગુનાઓને અંજામ આપનાર આ શખ્સને પોલીસે જેલનાં સળીયા ગણતો કરી દીધો છે.

  • શા માટે આચરી છેતરપિંડી...?

પોલીસનાં કહેવા મુજબ, આરોપી નીમીશ ઉર્ફે નૈમીસ પુરોહિતે છેલ્લા ચાર વર્ષમાં ૨૭ ગુનાઓને અંજામ આપ્યો છે. અપરણીત હોવાથી તેને પોતાનો ખર્ચ કાઢવા માટે વ્યાજે રૂપીયા લીધા હતા. જોકે વ્યાજનાં રૂપીયા ભરપાઇ કરી શક્તો ન હોવાથી લોકો સાથે છેતરપિંડી આચરવાનું શરૂ કર્યું હતું. મોટાભાગનાં ગુનાઓમાં તેને વૃદ્ધ દંપતીઓને પોતાનાં નીશાન બનાવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, છતરપિંડીને અંજામ આપ્યા બાદ આરોપી જૂનાગઢની મુથુટ ફિન્કોર્પમાં સોનાના દાગીનાં આપી લોન લેતો હતો અને વ્યાજની રકમ ભરપાઇ કરતો હતો. આરોપીએ મુથુટ ફિનકોર્પમાંથી ૬૬ લોન લીધી છે જેમાંથી ૨૨ લોનની સ્લિપ પોલીસે કબજે કરી છે.

  • કેવી છે મોડેશ ઓપરેન્ડી...?

પોલીસનાં કહેવા મુજબ, આરોપી નીમીશ ઉર્ફે નૈમીષ પુરોહિત જૂનાગઢ થી એસ.ટી બસમાં મુસાફરી કરતો હતો. નાના ગામડા અને નાના શહેરોમાં રીક્ષામાં બેસી અલગ અલગ વિસ્તારોમાં વૃદ્ધ દંપતીઓની રેકી કરતો હતો. એકલા રહેતા વૃદ્ધ દંપતીઓનાં ઘરે જઇને તેનાં સગા વ્હાલા હોવાની ખોટી ઓળખ આપી ઘરડા લોકોને પગે લાગતો અને સબંધી હોવાની ઓળખ આપી વૃદ્ધ દંપતીઓને પોતાનાં વિશ્વાસમાં લેતો હતો. ત્યારબાદ ઘરમાં રહેલા જૂની ડીઝાઇનનાં સોનાના દાગીના જોવા માંગતો હતો અને ત્યારબાદ પોતાને આવી ડીઝાઇનનાં દાગીના બનાવવા હોવાનું કહિને ડોળ કરી નમુના તરીકે લઇ જવાનું કહી ત્યાંથી નાસી જતો હતો.

Latest Stories