રાજકોટમાં અકસ્માતોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. ત્યારે આજે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટીના પુલ નીચે કાર ખાબકતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ અતિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકઠાં થતાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. મળતી માહિતી અનુસાર આજે અમદાવાદ હાઈવે પર આવેલા બેટીના પુલ ખાતેથી એક વેગનઆર કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક કારચાલકે પોતાનો સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પુલ પરથી 30 ફૂટ નીચે ખાબકી હતી. સમગ્ર ઘટનાને પગલે ધડાકાનો અવાજ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દોડી ગયા હતા તેમજ આ અંગે પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. એને પગલે એરપોર્ટ પોલીસ સહિતનો કાફલો દોડી ગયો હતો.