રાજકોટમાં ગતરોજ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઇ રૂ. 5 લાખની લાંચ લેતા CBIએ ગોઠવેલી ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા હતા.જોકે, બદનામીની શંકાએ જાવરીમલ બિશ્નોઇએ આહે સવારે ઓફિસના ચોથા માળેથી ઝંપલાવી મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, ગતરોજ રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઈ રૂપિયા 5 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. આ મામલે CBI દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, અને એમાં અધિકારી લાંચ લેતાં ઝડપાયા હતા, ત્યારે જાવરીમલ બિશ્નોઇએ આજે વહેલી સવારે ચોથા માળેથી ઝંપલાવતા ગંભીર ઇજાના પગલે તેઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. CBIની ટ્રેપ બાદ આખી રાત તેમની ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. જોકે, સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા સેવાઈ રહી છે. તો બીજી તરફ, મૃતકના સ્વજનોએ જણાવ્યું હતું કે, અમારા ભાઈની હત્યા કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ મારફત આની તપાસ કરવામાં આવે, રાજસ્થાનમાં અમારો ખેડૂત પરિવાર છે. આમાં મોટા લોકોના નામ ખુલી શકે છે. રાજસ્થાન સરકાર અને અશોક ગેહલોત પાસે પણ ન્યાયની માગણી કરી છે. અમે મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે. અમને સરકાર પર ભરોસો છે, સરકાર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે. IAS અધિકારી આ રીતે આત્મહત્યા ન કરી શકે. જવાબદારો સામે કલમ 302 દાખલ કરો.
તો બીજી તરફ, સમગ્ર મામલે CBIના ત્રણ અધિકારી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, જાવરીમલ બિશ્નોઈ લાંચ લેતા ઝડપાયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન આજે સવારે 9.45 વાગ્યે જાવરીમલ બિશ્નોઈએ ઓફિસમાંથી કૂદકો માર્યો હતો. આથી તેને સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. ઉપરાંત તપાસ અર્થે આવેલ CBIના અધિકારી પર જાવરીમલ બિશ્નોઇના પરિવારજનોએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. આથી CBI ઓફિસર બચવા માટે દોડીને પોલીસ ચોકીમાં જતા રહ્યા હતા. જેના લાઈવ દૃશ્યો કેમેરામાં કેદ થયા છે.