સૌરાષ્ટ્ર વિસ્તારના અગ્રીમ ગણાતા રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની સીઝનના પ્રારંભ સાથે જ મગફળીની આવકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર હાઇવે ઉપર મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી છે.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીના પાકનું પુષ્કળ ઉત્પાદન થયું છે. મગફળીના વેચાણ માટે સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગોંડલ યાર્ડ આવી રહ્યાં છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રના અન્ય યાર્ડ કરતા ભાવ પણ સારા મળી રહે છે. આથી ખેડૂતો ગોંડલ યાર્ડમાં પોતાની મગફળી વેચવાનો આગ્રહ રાખે છે. યાર્ડમાં આવક શરૂ કરતા 1 લાખ ગુણીથી પણ વધારે મગફળીની આવક નોંધાઈ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 800થી લઈને 1361 સુધીના બોલાયા હતા. જોકે, મગફળીને સૂકવીને લાવવાથી પણ ખેડૂતોને સારા ભાવ મળશે. તો ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીનો જથ્થો બગડે નહીં અને સમયસર નિકાલ થાય તે માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.