રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ છેલ્લા 15 દિવસથી વરસાદ ન પડતાં જગતના તાતને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે.
આ વખતે ચોમાસાનો વહેલો પ્રારંભ થયો હતો જેના કારણે અનુમાન લગાવવામાં આવતું હતું કે, ઓગસ્ટમાં પણ ઘણો વરસાદ થશે. આ સાથે આ વખતે હવામાન વિભાગે સારા વરસાદની આગાહી પણ કરી હતી. રાજ્યમાં અત્યાર સુધી આ સિઝનમાં 7 વર્ષની સરખામણીએ સૌથી સાધારણ વરસાદ રહ્યો છે. ગુજરાતમાં હજુ સુધી મોસમનો સરેરાશ 36.28 ટકા જ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી. જેના કારણે ખેડૂતોના ખેતરમાં વાવવામાં આવેલ પાકને મસમોટું નુકસાન પડી શકે તેમ છે. ત્યારે જીલ્લા ખેતીવાડી અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસ થી રાજકોટ જિલ્લામાં વરસાદ નથી વરસ્યો જેના કારણે નબળી પિયત વાળી જમીનમાં પાક સુકાવાની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ત્યારે આગામી બેથી ચાર દિવસમાં વરસાદ ન વરસે તો પાકને નુકસાન પહોંચવાની શરૂઆત થઇ જશે.
રાજકોટમાં મુખ્યત્વે મગફળી, કપાસ, સોયાબીનની ખેતી કરવામાં આવી છે. જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે સરકારી નિયમ મુજબ બે જેટલા ક્રાઈટેરિયા નક્કી કરવામાં આવતા હોય છે. જે ક્રાઈટેરિયા મુજબ જે તાલુકાનો સમાવેશ થતો હોય છે. ત્યાંના ખેડૂતોને વાવણી નિષ્ફળ જવા બદલ સરકાર દ્વારા સહાયતા પણ આપવામાં આવતી હોય છે. હાલ રાજકોટના પડધરી તાલુકો અને વિછીયા તાલુકો બે એવા તાલુકા છે કે જ્યાં ચાલુ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો પડયો છે. ત્યારે આગામી સમયમાં જો હવે વરસાદ ન પડે તો સૌથી વધુ ભયજનક સ્થિતિ પડધરી તાલુકાના વિછિયા તાલુકાની અંદર જોવા મળશે.