ભારત અને પાકિસ્તાન જળ તથા ભુમિના માર્ગે એકબીજા સાથે જોડાયેલાં છે. પાકિસ્તાનની જળસીમામાં પ્રવેશી ગયેલાં સૌરાષ્ટ્રના 558 જેટલા માછીમારો હાલ પાકિસ્તાનની જેલોમાં કેદ છે ત્યારે માછીમારોના પરિવારોએ ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.....
દીવ, કોડીનાર, પોરબંદર પંથક તેમજ વિવિધ વિસ્તારોના આશરે 558 જેટલા માછીમારો પાડોશી દેશ પાકિસ્તાનની જેલોમાં બંધ છે. આ માછીમારોને છોડાવવા માટે તેમના પરિવારજનો સરકાર પાસે મદદ માંગી રહયાં છે. પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોની ચિંતા તેમના પરિવારજનોને સતાવી રહી છે. તેઓ કઇ હાલતમાં હશે, તેઓ શું કરતાં હશે સહિતના વિચારો પરિવારજનોને ઉધઇની જેમ કોરી રહયાં છે. માછીમારી થકી આખા વર્ષનું ગુજરાન ચાલતું હોવાથી માછીમારો કયારેક આંતરરાષ્ટ્રીય જળસીમા ઓળંગી જતાં હોય છે. બંને દેશોએ માછીમારોની ધરપકડ કરવાની જગ્યાએ તેમના દેશની જળસીમામાં પરત ચાલ્યા જવાની તક આપવી જોઇએ.પાકિસ્તાને અત્યાર સુધી 1200થી વધુ ભારતીય બોટ પકડી છે અને ભારતે અંદાજે પાકિસ્તાન માછીમારીની 300 બોટ પકડી છે તેને સત્વરે છોડવી જોઈએ. બંને દેશો વચ્ચે 2008માં થયેલા કરારનું પાલન થવું જોઇએ....
ભારતના સેંકડો માછીમારો હાલ પાકિસ્તાનની જેલોમાં સબડી રહયાં છે. જીતુભાઇ કે જે હાલ પાકિસ્તાનની જેલમાં કેદ છે. તેમના પત્ની રમીલાબેન અને પરિવાર તેમની ચિંતામાં દિવસો ગુજારી રહયાં છે. રમીલાબેન જણાવે છે કે, જે ભારતીય માછીમાર પહેલી વખત પાકિસ્તાનની જેલમાં જાય તેને દર મહિને 9 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. અમારે સહાય નથી જોઇતી પણ અમારા મોભી હેમખેમ ઘરે પાછા આવે તે જ અમારે જોઇએ છે. ભારત સરકાર અમને મદદ કરે અને પાકિસ્તાન સરકાર પર માછીમારોને છોડવા માટેનું દબાણ બનાવે......હવે સાંભળીએ માછીમાર આગેવાન વલજીભાઇ શું કહી રહયાં છે.