Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ ભર્યું નામાંકન, કહ્યું : ક્ષત્રિય સમાજના સાથ-સહકારની જરૂર

ક્ષત્રિય સમાજ સાથે ગાંધીનગરમાં વાટાઘાટો ચાલી રહ્યો છે.

X

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આજે શહેરના યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. આ સાથે જ પુરુષોત્તમ રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી. રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઊમટી પડ્યા હતા, પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે રાજકોટ લોકસભા બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાએ વિજય મુહૂર્ત પહેલાં જ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું.

પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યુ હતું કે, ક્ષત્રિય સમાજના સાથ સહકારની જરૂર છે. ભાજપ જે વાયદાઓ કરે છે તે પુરા કરે છે. તેમણે સ્ટેજ પર ઉપસ્થિત ક્ષત્રિય સમાજના આગેવાનોનો પણ આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે, સમગ્ર ક્ષત્રિય સમાજને નમ્ર વિનંતી કરું છું કે, મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના વિજયમાં આપ સૌ જોડાઓ, તમારા સહયોગની જરૂર છે. રાજકોટ લોકસભાના કાર્યકર્તા ભાઈઓ, મતદાર ભાઈઓ તમે જે ઉત્સાહથી અમને વધાવ્યા એ બદલ હું નતમસ્તક છું. ઉલ્લેખનીય છે કે, એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોતમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે આંદોલન ચાલી રહ્યું છે. ઠેર ઠેર સંમેલન બોલાવવામાં આવી રહ્યાં છે. 2 દિવસ પહેલાં જ રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજના મહા સંમેલનમાં 1.50 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આજે 16 એપ્રિલે પુરુષોતમ રૂપાલાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે, જ્યાં કોંગ્રેસના પરેશ ધાનાણીએ પણ ક્ષત્રિય સમાજની તરફેણ કરી રાજકોટમાંથી ચૂંટણી લડવા એલાન કર્યું છે, ત્યારે હવે રાજકોટમાં પણ ખરો રાજકીય ચૂંટણી જંગ જામ્યો છે.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં ફોર્મ ભર્યું છે. ક્ષત્રિય સમાજ સાથે ગાંધીનગરમાં વાટાઘાટો ચાલી રહ્યો છે. રસ્તો આ રીતે જ નીકળે છે અને મને પુરી શ્રદ્ધા છે કે ક્ષત્રિય સમાજ દેશના હિતમાં વિચારશે.


Next Story