રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પત્નીથી ત્રસ્ત પતિએ લાંબો સમય જેલમાં રહેવાની જીદ પકડી હતી. જેમાં પેટ્રોલ છાંટી પતિએ પોલીસ સ્ટેશન સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો.
રાજકોટમાં ગત રવિવારના રોજ જામનગર રોડ પર આવેલા બજરંગવાડી પોલીસ ચોકીને પેટ્રોલ છાંટી આગ લગાડવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે આગ લગાડ્યા બાદ પણ યુવાન પોલીસ ચોકી બહાર જ ઉભો રહ્યો હતો. સમગ્ર મામલે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળાએ જણાવ્યું હતું કે, બજરંગવાડી પોલીસ ચોકીને આગ લગાડનાર વ્યક્તિનું નામ દેવજી ઉર્ફે દેવો ચાવડા છે. દેવજી અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઘર કંકાસ અને આર્થિક સંકડામણના કારણે માથાકૂટ થાય છે, ત્યારે જેલમાં જ રહેવું છે, તેમ કહી પોલીસ ચોકીને આગ લગાડી હતી. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે દેવજી ચાવડાની અટકાયત કરી તેના વિરુદ્ધ સરકારી મિલકતને નુકશાન પહોંચાડવાની તેમજ આઈપીસીની કલમ 436 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.