ઓસ્ટ્રેલિયાએ ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને જૈન પરંપરા સાથે જોડાયેલ 29 અતિ મૂલ્યવાન દુર્લભ મૂર્તિ ભારત પરત કરી છે, જેનું ખુદ વડાપ્રધાન મોદીએ નિરીક્ષણ કર્યું હતું. પ્રાચીન વસ્તુઓ 6 વ્યાપક શ્રેણીઓમાં આવે છે. શિવ અને તેમના શિષ્ય, શક્તિની પૂજા, ભગવાન વિષ્ણુ અને તેમના સ્વરૂપો, જૈન પરંપરાઓ, ચિત્રો અને સુશોભન વસ્તુઓની PMOએ જાણકારી આપી હતી.
વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, આ મુખ્યત્વે વિવિધ પ્રકારની સામગ્રી સેન્ડસ્ટોન, આરસ, કાંસ્ય, પિત્તળ, કાગળમાં ચલાવવામાં આવેલ શિલ્પો અને ચિત્રો છે. પ્રાચીન વસ્તુઓ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની છે, જે ભારતના વિશાળ ભૌગોલિક વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રાચીન વસ્તુઓ 9મી-10મી સદી ઈ.સ. પૂર્વેની અલગ-અલગ સમયની છે. વડાપ્રધાન મોદી અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસન સોમવારે ડિજિટલ સમિટ યોજશે, જેમાં વેપાર અને રોકાણના ક્ષેત્રો સહિત બન્ને પક્ષો વચ્ચેના એકંદર વ્યાપક વ્યૂહાત્મક સંબંધોને વધુ વધારવાની અપેક્ષા છે.
સોમવારે એટલે કે, આજે મોદી અને મોરિસન વચ્ચે મુલાકાત યોજાઇ. તે સમયે ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધને ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ના સ્તર સુધી લઇ જવાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોરિસન ભારત સાથેના સંબંધોને ગાઢ બનાવવા માટે રૂ. 1,500 કરોડના રોકાણની યોજનાની જાહેરાત કરશે. જેમાં સ્વચ્છ ટેક્નોલોજી અને મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં સહયોગ માટે રૂ. 183 કરોડ અને અવકાશ ક્ષેત્રમાં સંબંધો વધારવા માટે રૂ. 136 કરોડનો સમાવેશ થાય છે.
