Connect Gujarat
Featured

ગીતાજયંતી નિમિત્તે સંસ્કૃતભારતીનો અનોખો પ્રયોગ: "બાલક ઉવાચ"

ગીતાજયંતી નિમિત્તે સંસ્કૃતભારતીનો અનોખો પ્રયોગ: બાલક ઉવાચ
X

ગીતાજયંતીની પૂર્વસંધ્યાએ સંસ્કૃતભારતી પશ્ચિમક્ષેત્ર (કોંકણ-સૌરાષ્ટ્ર-ગુજરાત) દ્વારા "બાલક ઉવાચ" નામે એક અનોખો કાર્યક્રમ તા. ૨૪ ડિસેમ્બરે યોજાયો જેમાં "પાંચ બાળકો પાંચ ભાષા" એવા અભિગમથી ૬ થી ૧૨ વર્ષની વયના બાળકોએ ગીતા જીવનમાં કઈ રીતે પ્રેરણાદાયી બને છે તે વિશે પોતાના ભાવ પ્રદર્શિત કર્યા.

સ્વસ્તિ ગાંધી નામે સંસ્કૃતપ્રેમી બાલિકાએ સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મસંમેલનમાં ગીતાનો મહિમા ગાયો તે વાત યાદ કરી પોતે ગીતામાંથી નીતિમત્તાની પ્રેરણા મેળવે છે એ વાત સંસ્કૃતમાં કહી. માત્ર ૬ વર્ષના ઋગ્વેદ શુક્લએ ગીતા કેમ એનો પ્રિય ગ્રંથ છે તે માતૃભાષા ગુજરાતીમાં કહેતાં કહ્યું કે ભગવાન ગીતામાં કહે છે કે પ્રત્યેક જીવ મારો જ અંશ છે માટે આપણે દરેક સાથે સદ્વ્યવહાર કરવો જોઈએ. હિન્દીમાં રજૂઆત કરનાર ઋષિ દૂબેનું માનવું છે કે યુદ્ધક્ષેત્રમાં વિચલિત થઈ જનાર અર્જુનને શ્રીકૃષ્ણે જે ઉપદેશ આપ્યો છે તે જ જીવન જીવવાની કલા છે જરુર છે માત્ર આત્મમંથન અને દ્રઢ સંકલ્પશક્તિની એ જ રીતે બીજા ધોરણમાં ભણતી મંજરી આઠવલે મરાઠીમાં કહે છે કે દેહ નશ્વર છે માટે મૃત્યુનો ભય ન રાખતાં પોતે પરમાત્માનો અંશ છે એમ માનીને સ્વ અને પરકલ્યાણની ભાવના રાખી જીવી જવું.

શ્રીકૃષ્ણસ્વામી અંગ્રેજીમાં સમજાવે છે કે ગીતા નકારાત્મકતા તરફથી સકારાત્મક ઉર્જા પ્રતિ પથપ્રદર્શક છે માટે ધર્મસિંચન દ્વારા જીવનને ઉજાળવું. શ્રેય પંડ્યાએ દરેક બાળકના વક્તવ્યની સારભૂત વાતો એમના વક્તવ્યની ભાષામાં જ રજૂ કરી સંસ્કૃતભાષામાં સુચારુરૂપે નિર્વહણ કર્યું. સંસ્કૃતભારતીના ફેસબુક પેજ પરથી જીવંત પ્રસારણ થતા કાર્યક્રમને અનેક દર્શકોએ વધાવ્યો. સંસ્કૃતભાષાના આ બાળસૈનિકો એનું રક્ષણ કરવા સમર્થ બને એવી શુભકામનાઓ.

Next Story