ભેસ્તાનમાં સતીશ મરાઠાની અત્યંત કરપીણ હત્યા
લોહીલુહાણ હાલતમાં તરફડીયા મારતા પ્રાણપંખેરું ઉડ્યું
જૂની અદાવત અને વર્ચસ્વની લડાઈમાં હત્યા થયાની શંકા
પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમો દ્વારા તપાસ શરૂ
હુમલાખોરોએ માથું ફાડી નાખ્યું, આંગળીઓ કાપી ફેંકી દીધી!
સુરતના ભેસ્તાન વિસ્તારમાં બહુચર્ચિત સૂર્યા મરાઠી હત્યા કેસમાં નિર્દોષ છૂટેલા અને ‘રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ’ના મુખ્ય સભ્ય સતીશ સુરેશભાઈ ધાડગે ઉર્ફે સતીશ મરાઠાની દિનદાહાડે અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે.4 થી 5 જેટલા અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે આ લોહિયાળ ખેલ ખેલ્યો છે.
સુરતમાં ગુનાખોરોને જાણે પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ ભેસ્તાન વિસ્તારમાં ગેંગવોર જેવી લોહિયાળ ઘટના ઘટી છે. સૂર્યા મરાઠી હત્યા કેસના આરોપી અને પાછળથી કોર્ટમાંથી નિર્દોષ છૂટેલા સતીશ મરાઠા પર 4 થી 5 જેટલા હુમલાખોરો તૂટી પડ્યા હતા. હુમલાખોરો એટલા ઝનૂની હતા કે સતીશના મોઢા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.
એટલું જ નહીં, હુમલાખોરોએ ક્રૂરતાની તમામ હદો વટાવીને સતીશનું માથું ફાડી નાખ્યું હતું અને બંને હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી. ગંભીર રીતે લોહીલુહાણ થયેલા સતીશ મરાઠાએ ઘટનાસ્થળે જ તરફડીને દમ તોડી દીધો હતો. હુમલો કર્યા બાદ હત્યારાઓ 1 તલવાર સહિત 2 તીક્ષ્ણ હથિયારો ઘટનાસ્થળે જ ફેંકીને ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો ઉચ્ચ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે લોહીલુહાણ હાલતમાં તલવાર સહિતના હથિયારો કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં 4 થી 5 શંકાસ્પદ શખ્સોના નામ સામે આવ્યા છે. આ હત્યા જૂની અદાવતમાં થઈ છે, વર્ચસ્વની લડાઈમાં કે પછી ગેંગવોરનું પરિણામ છે,તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
