Connect Gujarat
Featured

દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ, નદીઓમાં પુર તો નાળાઓ ઓવરફલો

દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ, નદીઓમાં પુર તો નાળાઓ ઓવરફલો
X

સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહયાં છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ત્રણ દિવસથી સતત વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે જયારે નાળાઓ તેમજ ખાડીઓ ઓવરફલો થઇ રહી છે….

દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહયાં છે. સાર્વત્રિક વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યાં છે જયારે અનેક ખાડીઓ અને નાળા ઓવરફલો થઇ રહયાં છે. મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોની હાલત કફોડી બની છે. અનેક સ્થળોએ મકાનોમાં પાણી ભરાવાના બનાવો બન્યાં છે.

હવે વાત કરીશું સુરતની… કોરોનાના કહેરમાં સપડાયેલા સુરતીલાલાઓના માથે હવે આકાશી આફત વરસી રહી છે. સુરત શહેર તેમજ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહયો છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

નવસારી જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયાં છે. નવસારી, વિજલપોર,ચીખલી, વાંસદા સહિતના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહયો છે. આ ઉપરાંત નવસારી શહેરમાં ભારે વરસાદના પગલે સ્ટેશન રોડ વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

હવે વાત કરીશું વલસાડની.. વલસાડમાં પણ મેહુલિયો હેત વરસાવી રહયો છે. શહેર અને જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. કપરાડામાં લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. કોઝ વે બંધ થતાં જનજીવન પર અસર પડી છે. કોઝવે પરથી પાણી પસાર થઇ રહયાં હોવા છતાં કેટલાક લોકો જીવના જોખમે કોઝવે પરથી જઇ રહયાં છે. વલસાડ શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

ભારે વરસાદની અસર કીમ વિસ્તારમાં જોવા મળી રહી છે. સાવા પાટીયા પાસેનો સર્વિસ રોડ ધોવાઇ જતાં નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઇ રહયો છે. બીજી તરફ કીમ અને કોસંબાને જોડતાં અને શોર્ટકટ ગણાતાં ગાયકવાડી રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. આ રોડ બંધ થતાં વાહનચાલકોને વધારાનો 18 કીમીનો ફેરાવો થઇ રહયો છે.

Next Story