/connect-gujarat/media/post_banners/a647344451102b1fb498af64ca344b31c5f407ef76f34c6504fc5ece4f5f46e1.webp)
ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તે સેમીફાઈનલમાં હારીને ટાઈટલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હારનું પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કરી દીધું છે. બોર્ડે શુક્રવારે (18 નવેમ્બર) ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં BCCI પણ રોહિત શર્માને લઈને મોટો નિર્ણય લઈ શકે છે.
પીટીઆઈના અહેવાલ મુજબ બીસીસીઆઈએ નવી પસંદગી સમિતિ માટે અરજીઓ આમંત્રિત કરવા સાથે કેટલાક લક્ષ્યો નક્કી કર્યા છે. ટીમ ઈન્ડિયાની નવી પસંદગી સમિતિનું પહેલું કામ અલગ-અલગ ફોર્મેટ માટે અલગ કેપ્ટન બનાવવાનું રહેશે. જ્યારે પણ નવી પસંદગી સમિતિ કાર્યભાર સંભાળશે ત્યારે તેને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન પસંદ કરવાનું ફરજિયાત રહેશે. આનો અસરકારક અર્થએ છે કે BCCI હવે અલગ-અલગ કેપ્ટનોની પેટર્નને અનુસરશે.
રિપોર્ટ અનુસાર રોહિત શર્મા હાલમાં વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે ચાલુ રહેશે. જ્યારે હાર્દિક પંડ્યા યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર 2024 ટી-20 વર્લ્ડ કપ સુધી સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન બનશે. હાર્દિક હાલમાં ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને જો તે આમાં કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કરશે તો તેના નિર્ણય પર મહોર લાગી જશે.
29 વર્ષીય હાર્દિક પંડ્યાએ આ વર્ષે પોતાની જાતને એક નેતા તરીકે રજૂ કરી છે અને વિશ્વ તેનામાં નેતૃત્વની જબરદસ્ત ક્ષમતા જોઈ રહી છે. હાર્દિક પંડ્યા બેટ અને બોલ સાથે સતત શાનદાર રમત બતાવી રહ્યો છે. તે પોતાના પર બિલકુલ દબાણ નથી થવા દેતો. જે તેને અન્ય ખેલાડીઓથી અલગ બનાવે છે. IPL 2022 ની શરૂઆત પહેલા ભાગ્યે જ કોઈ ક્રિકેટ નિષ્ણાતે ગુજરાત ટાઇટન્સને જીતના દાવેદાર તરીકે જાહેર કર્યું હતું. પરંતુ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપના કારણે આ નવી ટીમ IPL ચેમ્પિયન બની હતી. હાર્દિક પંડ્યાએ IPL 2022માં 15 મેચોમાં 44.27ની એવરેજથી 487 રન બનાવ્યા. જેમાં ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. આ સાથે તેણે બોલિંગમાં પણ અજાયબીઓ કરી હતી અને કુલ આઠ વિકેટ પોતાના નામે કરી હતી.