ઇન્ડિયન પ્રીમિયર લીગનો રોમાંચ હવે ટોપ પર છે. ટીમો પ્લેઓફમાં પહોંચવા માટે લડી રહી છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે. મહેંદ્ર સિંહ ધોનીની ટીમ 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આ સાથે જ 18 પોઈન્ટ સાથે દિલ્હી બીજા ક્રમે છે. 14 પોઈન્ટ સાથે બેંગ્લુરુની ટીમ ત્રીજા ક્રમે છે. જ્યારે 10 પોઈન્ટ સાથે કોલકાતાની ટીમ ચોથા ક્રમ પર છે. આઈપીએલના બીજા તબક્કાની સફર મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે સરળ રહી નથી. યુએઈ આવ્યા બાદ તેને સતત ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
કેટલીક મેચ બાદ હવે પ્લેઓફનું ચિત્ર પણ સ્પષ્ટ થશે. ખેલાડીઓ તેમની ટીમને જીતવા માટે ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે. રોમાંચક મેચમાં બેટ્સમેનોના બેટમાંથી રન બહાર આવી રહ્યા છે. બેટ્સમેનો પોતાના પ્રદર્શનથી ટીમને જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે એટલું જ નહીં, તેમની નજર ઓરેન્જ કેપ પર પણ છે.
IPL 2020ની સિઝનમાં પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે ઓરેન્જ કેપ જીતી હતી. તેણે 14 મેચમાં 670 રન બનાવ્યા હતા. આ વર્ષે પણ તે પોતાની શાનદાર બેટિંગ સાથે રેસમાં છે. તેમના સિવાય ફેફ ડુ પ્લેસિસ અને ચેન્નઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડ પણ આ રેસમાં છે. લીગના અંતે કોને આ કેપ મળશે તે જોવું રહ્યું, પરંતુ અત્યારે આ રેસ ખૂબ જ રસપ્રદ છે.
ઋતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરીને 60 બોલ પર 101* રન કર્યા હતા. તેણે પોતાની ઈનિંગ દરમિયાન 9 ચોગ્ગા અને 5 છગ્ગા માર્યા હતા. ગાયકવાડની IPLમાં આ પહેલી સદી હતી. આ ટૂર્નામેન્ટમાં તેણે અત્યારે 508 રન કર્યા છે અને હાલ ઓરેન્જ કેપ પણ તેની પાસે આવી ગઈ છે.
ગાયકવાડ અને જાડેજાએ શાનદાર બેટિંગ કરતા 5મી વિકેટ માટે 22 બોલ પર 55 રનની પાર્ટનરશિપ નોંધી હતી. જાડેજાએ આક્રમક બેટિંગ કરીને 15 બોલ પર 32* રન કર્યા હતા. ચેન્નઈએ 20 ઓવરમાં 189/4નો સ્કોર કર્યો હતો.