સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લી મૂક્યાનાં પ્રથમ દિવસે જ થયો ભારે હંગામો

New Update
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લી મૂક્યાનાં પ્રથમ દિવસે જ થયો ભારે હંગામો

NDA ના સાથી પક્ષ અપના દલનાં 1500 કાર્યકરોએ મફત પ્રવેશ નહીં મળતા હોબાળો મચાવ્યો

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ગત રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાદમાં આજથી એટલેકે 1 નવેમ્બરથી પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ખાતે પ્રવેશ આપવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. દરમિયાન આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા NDAનાં સાથી પક્ષ અપના દલનાં 1500 કાર્યકરોને મફત પ્રવેશ નહીં મળતાં ભારે હોબાળો મચાવ્યો હતો. આખરે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ આશિષ પટેલે દરમ્યાનગીરી કરતાં પ્રવેશ અપાયો હતો પરંતુ વ્યવસ્થાના અભાવને કારણે તમામ પ્રવાસીઓ પરેશાન થઈ ગયા હતા.

ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિતિનું લોકાર્પણ કર્યા બાદ આજથી સામાન્ય નાગરિકોને પ્રવેશ આપવાની શરૂઆત કરી છે. પ્રથમ દિવસે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીથી NDAના સાથી પક્ષ અપના દલનાં 1500 કાર્યકરો આખી ટ્રેઈન બુક કરાવીને કેવડિયા આવી પહોંચ્યા હતા. પરંતુ સવારે કેવડિયા આવ્યા બાદ નિઃશુલ્ક પ્રવેશની મહેચ્છા પૂર્ણ નહીં થતા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાના અભાવ વચ્ચે ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં અપના દલના રાષ્ટ્રિય અધ્યક્ષ આશિષ પટેલે દરમ્યાનગીરી કરતા આખરે સ્ટેચ્યું ઓફ યુનિટી પર પ્રવેશ અપાયો હતો. પરિસરમાં મફત પ્રવેશ મેળવ્યા બાદ યોગ્ય વ્યવસ્થાના અભાવની ફરિયાદ પણ આ કાર્યકરો કરતા ચુક્યા ન હતા.

તો બીજી તરફ 1500 કાર્યકરોને મફતમાં પ્રવેશ અપાયા બાદ સ્થાનિક લોકો પાસેથી 350 રૂપિયાની ટીકિટની વસૂલાત કરવામાં આવતાં તેમણે પણ હંગામો મચાવી દીધો હતો. આજથી ટીકિટ લઈને પ્રવેશ કરવાનો હોવા છતાં સ્થાનિક તંત્રએ કેન્દ્ર સરકારનાં સહયોગી પક્ષ અપના દલનાં 1500 કાર્યકરોને નિઃશુલ્ક પ્રવેશ આપ્યો અને સ્થાનિક લોકો પાસેથી નાણાની વસુલાત કરતાં વ્હાલા-દવલાની નીતિ સામે લોકોએ ભારે હંગામો મચાવી દીધો હતો.

Latest Stories