/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/45176656_1435075496623150_9079538474079485952_n.jpg)
સરદાર પટેલની વિશાળ પ્રતિમાને સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી નિહાળી શકાશે
નર્મદા બંધ નજીક સાધુ ટેકરી ખાતે તૈયાર કરાયેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું બુધવારે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણના બીજા દિવસે એટલે કે 1 નવેમ્બર (આજ)થી સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જાહેર જનતા સરદારની વિશાળકાય પ્રતિમાને સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી નિહાળી શકશે. તો રાત્રે 50 પ્રોજેક્ટર્સની મદદથી લેઝર શો યોજાશે. જેને આવનારા પ્રવાસીઓ માણી શકશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત ગઈકાલે જ કરી દીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓના પ્રવેશ માટે આજે પ્રથમ દિવસ હતો. જેમાં સવારનાં 9 થી પ્રવેશનો સમય હતો. જોકે હજી સુધી માત્ર 30 પ્રવાસીઓએ પ્રવેશ કર્યો હતો. ઓનલાઈન બુકીંગ કરાવેલા પ્રવાસીઓ માટે પણ કોઈ સુવિધા જ નથી તેવું પ્રવાસીઓ જણાવી રહ્યા છે. પ્રવાસીઓ અંદર પ્રવેશવા માટે આતુર હતા પરંતુ તંત્ર દ્વારા હજી સુવિધાનો અભાવ હોય તેવું પ્રથમ દિવસે સામે આવ્યું હતું.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં લિફ્ટમાં બેસીને સરદાર પટેલના હૃદયમાંથી ડેમ અને અન્ય નજારો નિહાળવા માટે 350 રૂપિયાની ફી નિયત કરવામાં આવી છે. જો પ્રવાસીઓને બહારથી માત્ર સ્ટેચ્યૂ અને પ્રદર્શન નિહાળવું હોય તો 120 રૂ.ની ફી રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેનો લાઇટિંગ શો પણ એક વિશ્વ રેકર્ડ સમાન છે. 30 મિનિટ સુધી ચાલનારો આ લાઇટિંગ શો પણ એક અજાયબી સમાન છે. જે માત્ર છ દિવસમાં જ તૈયાર કરવામાં આવ્યો છે. 600 મીટર દૂરથી લાઇટિંગ કરાશે. આ શો 30 મિનિટ છે. જે 50 પ્રોજેકટર્સ લગાડીને તૈયાર કરાયું છે.