/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/04153814/maxresdefault-51.jpg)
હથિયારો સાથે લૂંટ અને ફાયરિંગ, ઘરફોડ ચોરી તેમજ અગાઉ અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ પર ફાયરિંગ કરનાર રાજસ્થાનના કુખ્યાત ગેંગના 2 સાગરીતોને લોડેડ પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે. જોકે આ પકડાયેલ આરોપીઓ અન્ય સાગરીતો સાથે મહિધરપુરા હીરા બજારની ઓફિસમાં પણ લૂંટ કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.
સુરતમાં લૂંટ અને ઘરફોડ ચોરી કરવાના ઇરાદે આવેલા રાજસ્થાનની કુખ્યાત રવિડ બિકા ગેંગના સાગરીતો પિસ્તોલ સાથે સુરતના કતારગામ બ્રિજ નજીક ફરી રહ્યા હતા. આ અંગેની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી બન્ને સાગરીતોને દબોચી લીધા હતા. જેમાં બન્નેની તપાસ કરતા તેઓની કમરના ભાગે એક પિસ્તોલ અને દેશી તમંચો મળી આવ્યો હતો, ત્યારે પકડાયેલ આરોપી ગોવધનસિંહ ઉર્ફે પિન્ટુસિંહ રાજપૂત અને વનેસિંહ રાજપૂત સુરતના મહિધરપુરા વિસ્તારમાં હીરા બજારની એક ઓફિસમાં લૂંટ તેમજ એક બગલમાં ઘરફોડ ચોરી કરી હોવાની પણ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.
આ તો માત્ર લૂંટ અને ચોરીની વાત હતી, પરંતુ આ આરોપીઓ સહિત અન્ય સાગરીતો અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ ઉપર પણ ફાયરિંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે. એટલું નહિ અમદાવાદમાં 9 જેટલા ગુન્હા અને રાજસ્થાનમાં 5થી વધુ ગુન્હા સહિત 21 જેટલા ગુન્હાઓમાં સંડોવાયેલા છે, ત્યારે સુરતમાં વધુ એક લૂંટ કરવાના ઇરાદે લોડેડ પિસ્તોલ લઈને ફરતા અરવિંદ બિકા ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે.