-
સુરતમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી
-
ઓનલાઈન ગેમનું વળગણ પરિવાર માટે ચિંતા
-
માતા-પિતાએ ઠપકો આપતા 3 માસૂમ ભાઈ-બહેન ગુમ
-
ત્રણ માસુમ રિસાઈને ઘર છોડતા પરિવાર ચિંતાગ્રસ્ત
-
ચોકબજાર પોલીસે શરૂ કરી તપાસ
સુરત શહેરના ચોકબજાર પોલીસ મથક વિસ્તારમાંથી એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઓનલાઈન ગેમ રમવાની કુટેવના કારણે એક જ પરિવારના ત્રણ સગા ભાઈ-બહેન રિસાઈને ઘર છોડીને ભાગી ગયા છે.
આજના ડિજિટલ યુગમાં બાળકોમાં મોબાઈલ ગેમનું વલણ એટલી હદ સુધી વધી ગયું છે કે તે હવે પરિવારો માટે ચિંતાનો વિષય બન્યું છે. સુરત શહેરના ચોકબજાર પોલીસ મથક વિસ્તારમાંથી એક એવો જ ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઓનલાઈન ગેમ રમવાની કુટેવના કારણે એક જ પરિવારના ત્રણ સગા ભાઈ-બહેન રિસાઈને ઘર છોડીને ભાગી ગયા છે. ચોકબજારના પંડોળ વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારજનો સહિત પોલીસ તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે.
આ પરિવારના 14 વર્ષ, 11 વર્ષ અને 9 વર્ષના ત્રણ માસૂમ સંતાનો લાંબા સમયથી મોબાઈલ સ્ક્રીન સામે કલાકો વિતાવતા હતા અને તેમને ગેમ રમવાની લત લાગી ગઈ હતી. જ્યારે પણ માતા-પિતા તેમને ગેમ રમવાની ના પાડતા કે અભ્યાસ કરવા બાબતે ટકોર કરતા, ત્યારે બાળકોને તે વાતનું ખૂબ ખોટું લાગી જતું હતું. ગતરોજ પણ આ જ બાબતે માતા-પિતાએ સંતાનોને ઠપકો આપ્યો હતો, જેનાથી નારાજ થઈને ત્રણેય ભાઈ-બહેનો એક સાથે ઘર છોડીને ચાલ્યા ગયા હતા. બાળકો અચાનક ગાયબ થઈ જતાં પરિવાર ઘેરી ચિંતામાં મુકાયો છે.
આ ગંભીર મામલે ચોકબજાર પોલીસે ગુનો નોંધીને બાળકોની શોધખોળ તાત્કાલિક શરૂ કરી દીધી છે. પોલીસની અલગ-અલગ ટીમો આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી રહી છે.જેથી બાળકો કઈ તરફ ગયા છે તેનો કોઈ સુરાગ મળી શકે. આ ઘટના એ તમામ માતા-પિતા માટે એક મોટી ચેતવણી છે કે જેઓ પોતાના બાળકોના હાથમાં કલાકો સુધી મોબાઈલ ફોન છોડી દે છે.
