-
દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
-
માવઠાની આગાહીથી જગતનો તાત ચિંતાતુર
-
આગાહીના પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
-
યુદ્ધના ધોરણે ડાંગર સૂકવવાની કામગીરી શરૂ
-
વરસાદના ડરથી રસ્તા બન્યા ખળા
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે સોના જેવા પાકને બચાવવા માટે જગતનો તાત ચિંતામાં ડૂબ્યો છે અને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
હવામાન વિભાગની માવઠાની આગાહીને પગલે સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો એલર્ટ મોડ પર આવી ગયા છે. ઉનાળુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ જો વરસાદ પડે તો આ આખો પાક સડી જાય તેમ છે. આ જ ડરના કારણે ખેડૂતો દ્વારા અત્યારે ‘યુદ્ધના ધોરણે‘ ડાંગર સૂકવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તસવીરોમાં તમે જોઈ શકો છો કે, સુરત જિલ્લામાં ખેડૂતો ઠેર-ઠેર હાઈવે અને મુખ્ય રસ્તાઓ પર ડાંગર સૂકવતા નજરે પડી રહ્યા છે. સામાન્ય રીતે જે કામ ખેતરમાં કે ખળામાં થતું હોય, તે કામ આજે ઝડપથી ડાંગર સુકાઈ જાય તે માટે પાકા રસ્તાઓ પર કરવું પડી રહ્યું છે.
ખેડૂતોનો આ ફફડાટ અમથો નથી. ભૂતકાળમાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ચૂક્યો છે. અગાઉ થયેલા ભારે નુકસાનના ઝખમ હજી ભરાયા નથી, ત્યાં વળી પાછી માવઠાની આફત માથે તોળાતા ખેડૂતો રાત-દિવસ જોયા વગર પોતાના પાકને સુરક્ષિત કરવા મથી રહ્યા છે.
હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર ખેડૂતોની આ પરિસ્થિતિમાં કેટલી મદદરૂપ થાય છે અને કુદરત ખેડૂતોની આ આકરી મહેનત પર પાણી ફેરવે છે કે પછી રહમ કરે છે.
