• સલાબતપુરામાં પતિએ ક્રુરતાની હદ વટાવી

  • પતિએ ધર્મપત્નીની કરપીણ હત્યા કરી

  • લાશ લાકડાની પેટીમાં સિમેન્ટથી પેક કરી દીધી

  • શંકાસ્પદ પેટી અને ચિઠ્ઠીથી મામલો બહાર આવ્યો

  • લિંબાયતમાં પણ વાયરમેન યુવકની હત્યાનો બનાવ 

સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં પતિએ ધર્મપત્નીની કરપીણ હત્યા કરીને લાશને લાકડાની પેટીમાં ભરી સિમેન્ટથી પેક કરી દીધી હતી,હત્યારો પતિ હાલ ફરાર છે,જયારે લિંબાયત વિસ્તારમાંથી અસામાજિક તત્વોએ એક યુવકનો જીવ લઇ લીધો હતો.

સુરત શહેરના સલાબતપુરામાં રહેતા પતિને પોતાની પત્ની શિલ્પા સાલ્વે પર અનૈતિક સંબંધ હોવાની શંકા હતી. આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. આ શંકાના વહેમમાં પતિએ શિલ્પાની ઘાતકી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ પકડાઈ જવાની બીકે તેણે લાશને એક લાકડાની મોટી પેટીમાં ભરી દીધી હતી અને ઉપરથી સિમેન્ટનું પડ ચડાવી તેને સંપૂર્ણપણે પેક કરી દીધી હતી.જેથી ગંધ ન આવે.પોતાના પાપ પર પડદો નાખવા માટે આરોપી પતિએ આસપાસના લોકો અને સંબંધીઓને એવું જૂઠું કહ્યું હતું કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે. જોકેપોલીસ તપાસ દરમિયાન ઘરની અંદરથી એક શંકાસ્પદ પેટી અને એક ચિઠ્ઠી મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આરોપી પતિએ એક ચિઠ્ઠીમાં તમામ ગુનાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. ચિઠ્ઠીમાં તેણે લખ્યું છે કેપત્નીની હત્યા માટે તે પોતે જ જવાબદાર છે. પોલીસે મેજિસ્ટ્રેટ અને એફએસએલની હાજરીમાં પેટી ખોલાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.પોલીસે હત્યારા પતિની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે અને સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

જ્યારે અન્ય બીજો એક હત્યાનો બનાવ લિંબાયત વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે.અસામાજિક તત્વોએ મચાવેલા આતંકમાં એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.આ યુવક વાયરમેનનું કામ કરવા માટે આવ્યો હતો,અને પોતાનો જીવ ગુમાવ્યો હતો.ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીઅજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કેશું ગુનેગારોમાં પોલીસનો કોઈ ખોફ બાકી રહ્યો નથી?