Connect Gujarat
Featured

સુરત : લોકડાઉન - 4માં છુટછાટોની ભરમાર, એસટી બસ સેવા પુન: શરૂ

સુરત : લોકડાઉન - 4માં છુટછાટોની ભરમાર, એસટી બસ સેવા પુન: શરૂ
X

લોકડાઉનના ચોથા ચરણમાં જનજીવન ધબકતું થાય તેવા પ્રયાસોના ભાગરૂપે એસટી બસ સેવા પુન: શરૂ કરવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ ડેપો ખાતેથી સલામતીના પુરતા પગલાંઓ સાથે એસટી બસ સેવા શરૂ થતાં મુસાફરોએ હાશકારો લીધો છે.

દેશમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહથી રાજયમાં એસટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. હજી પણ દેશમાં લોક ડાઉન ચાલી રહયું છે પણ રાજય સરકારે અર્થતંત્ર તેમજ જનજીવનને ધબકતું કરવા માટે ભારે છુટછાટ આપી છે. રાજય સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ ( એસટી)એ બસ સેવાઓ શરૂ કરી છે. રાજયમાં પાંચ ઝોનમાં બસ સેવા શરૂ કરવામાં આવશે. એસટી નિગમે રાજયને અત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ઝોન એમ પાંચ ઝોનમાં વિભાજીત કરી દીધું છે. સુરત જિલ્લામાં પણ પલસાણા, બારડોલી, માંડવી, વાલોડ, વ્યારા, સોનગઢ, આહવા, નવસારી, વાપી, અંકલેશ્વર સુધી બસ દોડાવવામાં આવશે.

સુરતની વાત કરવામાં આવે તો એસ.ટી બસ કુલ 36 જેટલા શિડ્યુલમાં ચાલશે. સવારે 8થી સાંજે 6 સુધીમાં 200 ટ્રીપ ચલાવવામાં આવશે. હાલમાં એસટી સેવા માત્ર નોન કન્ટેઈમેન્ટ વિસ્તાર માટે જ શરૂ થઈ છે એટલે કોઈ પણ કન્ટેઈમેન્ટ વિસ્તારમાંથી બસ પસાર થશે નહીં. બસ સેવાનો લાભ લેવા મુસાફરોએ ઓનલાઈન, ઈ-ટિકિટ અથવા મોબાઈલ દ્વારા બુકિંગ કરાવવાનું રહેશે. કોઈ મુસાફરોને તકલીફ ન પડે તે માટે કાઉન્ટર પરથી તેમજ કંડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ આપવામાં આવશે. બસ સ્થળ પરથી ઉપડે તેના 30 મિનિટ પહેલા જ મુસાફરો એ બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.

Next Story