/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/maxresdefault-53.jpg)
શ્રમિકોએ પોલીસના વાહન તેમજ એમ્બ્યુલન્સમાં તોડફોડ કરી
સુરત જિલ્લાના ખજોદગામ નજીક નિર્માણ પામી રહેલી ડાયમંડ બુર્સમાં એક શ્રમજીવીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી મોતને વ્હાલુ કરી દીધુ હતું. આ ઘટના અંગે અન્ય શ્રમજીવીને જાણ થતા શ્રમજીવીઓએ કામકાજ છોડી ભારે હોબાળો મચાવ્યો હતો. બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી.
જો કે એકઠા થયેલા શ્રમજીવીઓના ટોળાએ પોલીસ કાફલાને પણ ઘેરી લીધો હતો અને માનવ સાંકળ બનાવી રસ્તો બ્લોક કરી દીધો હતો. કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય વળતર ન ચુકતા ત્રણથી વધુ શ્રમજીવીઓએ આપઘાત કરી લીધા હોવાના બનાવ બનવા પામ્યા છે. યોગ્ય વળતર ન મળતા સાથી શ્રમજીવીઓએ હોબાળો મચાવ્યો હતો.આજે શ્રમજીવીના મોતના પગલે ઉશ્કેરાયેલા સહકર્મી શ્રમજીવીઓએ એમ્બ્યુલન્સમાં પણ તોડફોડ કરી મુકી હતી તેમજ પોલીસના વાહન પર પણ પથ્થરમારો કર્યો હોવાનો બનાવ બનવા પામ્યો હતો.
સહકર્મી શ્રમવીઓએ આ ઘટનામાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વળતર ના આપવું પડે એટલે હત્યા કરી તેને લટકાવી દેવામાં આવ્યો હતો. આ મામલો ગંભીર બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જોઈન્ટ સીપી સુધીના ઓફિસર ઘટના સ્થળો દોડી આવ્યા હતાં.
આ ઘટના અંગે સુરજીત નામના શ્રમિકે જણાવ્યું હતું કે, ગઈકાલે મારી સાથે કામ પર આવેલો સતન આજે આવ્યો ન હતો ત્યાર પછી ખબર પડી કે તેનો મૃતદેહ મળ્યો છે. સતનના મૃતદેહને જોવા માટે હું જતો હતો પરંતુ મને ત્યાં જવા દીધો ન હતો અને માર મરાયો હતો.આ ઘટનાનો પડદો પાડવા માટે જણાવવામાં આવ્યું કે, ત્યાં કશુ જ નથી થયું અને એમ્બ્યુલન્સમાં મૃતદેહને લઈ જઈ મામલો રફેદફે થવાનો હતો જેને પગલે અમે વિરોધ કરી રહ્યાં છે.