શહેરની જનતાને રૂ. 34 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ

મનપા સંચાલિત 9 શાળાઓના કામનું લોકાર્પણ કરાયું

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

સી.આર.પાટીલે AAPના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા

બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર આપવા જરૂરી : પાટીલ

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં રૂ. 34.13 કરોડના ખર્ચે તૈયાર થયેલા 10 જેટલાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાઓમાં રૂ. 34.13 કરોડના ખર્ચે 10 જેટલાં વિવિધ વિકાસ પ્રકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે, ત્યારે આ વિકાસકાર્યોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ આમ આદમી પાર્ટી અને તેના મુખ્ય નેતાઓ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા પર નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ દિલ્હીની સરકારી શાળાઓના મોડલનો પ્રચાર કરનારા AAPના નેતાઓને સુરતની સરકારી શાળાઓની મુલાકાત લેવા ખુલ્લું આમંત્રણ આપ્યું હતું.

તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે,, દિલ્હીમાં શિક્ષણ મોડલના મોટા મોટા દાવા કરનારાઓ સુરતની સરકારી સ્કૂલોનું અધ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે તો પોતાના ‘શીશ મહેલ’ને પણ ભૂલી જશે. ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સુવિધાઓ સુરત મનપાની શિક્ષણ સમિતિની કામગીરીની પ્રશંસા કરતા પાટીલે ઉમેર્યું હતું કે, સુરત મનપાની શાળાઓમાં આજે 1.70 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, અને 5 હજારથી વધુ શિક્ષકો પોતાની સેવાઓ આપી રહ્યા છે. જે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.