લોનની બાકી રકમની વસુલાત દરમિયાન ગ્રાહકોને ધમકી આપવા, ગાળો ભાંડવા કે વારંવાર ફોન કરીને હેરાન કરતા રિકવરી એજન્ટ્સ પર રિઝર્વ બેન્કે કડક લગામ લગાવી છે. RBIએ બેન્કો અને રિકવરી એજન્ટ્સ માટે નવા નિયમો જાહેર કર્યા છે, જે 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે.
નવા નિયમો હેઠળ રિકવરી એજન્ટ્સ લોનધારકો ઉપરાંત તેના સગા-સંબંધીઓ, મિત્રો, રેફરન્સ આપનાર અથવા સહકર્મીઓને ધમકી કે જાહેરમાં અપમાનિત કરી શકશે નહીં. ધિરાણની વિગતો અંગે ખોટી કે ગેરમાર્ગે દોરતી માહિતી આપવી તેમજ લોન નહીં ચુકવાય તો ગંભીર પરિણામોની ધમકી આપવી પણ પ્રતિબંધિત રહેશે.
આ ઉપરાંત ધમકીભરી અથવા અશ્લીલ ભાષાનો ઉપયોગ, અયોગ્ય મેસેજ મોકલવા, વારંવાર કોલ કરીને પરેશાન કરવા અને લોનધારકની અંગત માહિતી સોશિયલ મીડિયા પર જાહેર કરવા પર પણ રોક રહેશે. કસમયે ફોન કરવા અને બળપ્રયોગ કરવા પર RBI અગાઉથી જ પ્રતિબંધ મૂકી ચૂકી છે.
RBIએ બેન્કોને લોનની વસુલાત માટે લોનધારકનો મોબાઇલ ફોન કે લેપટોપ મનસ્વી રીતે બંધ કે નિષ્ક્રિય ન કરવા પણ જણાવ્યું છે. જોકે, જો બેન્કે જ આ ઉપકરણ ખરીદવા માટે લોન આપી હોય તો અપવાદરૂપ કિસ્સામાં નિયત પ્રક્રિયા હેઠળ તેને નિષ્ક્રિય કરવાની મંજૂરી રહેશે.
