સચીનમાં બન્યો હતો હત્યાનો બનાવ
બપોરના સમયે જાહેરમાં બની હતી ઘટના
મોબાઈલ ચોરીની અદાવતમાં યુવકની હત્યા
પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો
એક સગીર સહિત ત્રણ આરોપીની ધરપકડ
સુરતના સચિન વિસ્તારમાં મોબાઇલ ચોરની અદાવતમાં એક યુવકની જાહેરમાં કરપીણ હત્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનામાં પોલીસે સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
સુરતના સચિન વિસ્તારમાં તારીખ 10મી ઓગષ્ટની બપોરના સમયે જાહેરમાં હત્યાની ઘટના બની હતી.જેમાં હત્યા પાછળનું કારણ એક મોબાઈલ ફોનની ચોરીની અદાવત હતી. થોડા દિવસ અગાઉ ઈમરાન અને અયાનના મિત્ર એવા વિપિન ઉર્ફે કાળુ મદનસિંહનો મોબાઈલ ચોરાઈ ગયો હતો. આ બાબતે વિપિન અને તેના મિત્ર અમનસિંહનો ઈમરાન અને અયાન સાથે ઝઘડો થયો હતો, જેમાં વિપિને ઈમરાનને માર માર્યો હતો. આ ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ વિપિનને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ઘડ્યું હતું.
10 ઓગષ્ટના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે, સચિન સુડા સેક્ટરની શિવ દર્શન કોમ્પલેક્સની બાજુમાં આવેલ સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સેવા સમાજની વાડી નજીક આ ઘટના બની હતી. પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખીને ઈમરાન, રાજીક, અયાન અને અન્ય ત્રણ જેટલા આરોપીઓ કુલ છ લોકો ચાર બાઈક પર આવ્યા હતા. તેમણે વિપિન અને તેના મિત્ર અમનસિંહ પર હથિયારો વડે હુમલો કર્યો હતો. અમનસિંહને લાકડીના ફટકા માર્યા હતા, જ્યારે વિપિન પર ઈમરાન અને રાજીક સહિતના આરોપીઓએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો.જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ મોતને ભેટ્યો હતો.
સચિન પોલીસ દ્વારા આ મામલે સક્રિયતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. અન્ય આરોપીઓને પકડવા માટે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કુલ છ આરોપીઓ આ ઘટનામાં સામેલ હતા, જેમાંથી બે સગીર છે. હાલમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.