શહેરના વિવિધ વિસ્તારોમાં મનપા દ્વારા વોટર મીટર લગાવાયા
24X7 યોજનામાં માત્ર 75 હજાર જ વોટર મીટર લાગતાં વિવાદ
વોટર મીટર અંગે વિવાદ ઊભો થતાં મનપાનો અગત્યનો નિર્ણય
પાણી ચાર્જ અલગથી વસૂલવાના નિર્ણયને બદલવાની ફરજ પડી
હવેથી પ્રોપર્ટી ટેક્સમાં જ પાણી ચાર્જને આવરી લેવામાં આવશે
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા વોટર મીટર લગાડવામાં આવ્યા હતા. જોકે, વોટર મીટર અંગે વિવાદ ઊભો થતાં હવે મનપાએ અલગથી પાણી ચાર્જ વસૂલવાના નિર્ણયને બદલવાની ફરજ પડી છે.
સુરત શહેરના મોટા વરાછા, અમરોલી, કોસાડ સહિતના વિસ્તારોમાં હવે વોટર મીટરના બિલો નહીં આવે. પ્રોપર્ટી ટેક્સમાં જ આ ચાર્જ ગણી લેવાશે. શહેરમાં કુલ 24 લાખથી વધુ મકાનો હોવા છતાં 24X7 યોજનામાં માત્ર 75 હજાર જ વોટર મીટર લાગ્યાં હોવાથી વિવાદ ઊભો થતાં અલગથી પાણી ચાર્જ વસૂલવાનો નિર્ણય મનપાએ બદલવો પડ્યો છે. 11 વર્ષ પહેલાં શરૂ થયેલી 24×7 પાણી યોજના સંપૂર્ણ શહેરમાં અમલી બને તે પહેલાં જ વિલંબિત બિલ વિતરણ વ્યવસ્થાની ગૂંચ ઉકેલવા શાસકોએ સુઓમોટો દરખાસ્ત રજૂ કરી અડધા ઇંચના રહેણાક તેમજ ધાર્મિક જોડાણો મળી 60 હજાર મીટરધારકોને પાણીવેરા બિલમાંથી મુક્તિ આપી છે.
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં 75,120 પૈકી 27,244 જોડાણોને વ્યાજ-પેનલ્ટીમાંથી રાહત આપવાની અવધી પાલિકાએ તા. 31 માર્ચ સુધી લંબાવી છે. હવે, રહેણાંક-ધાર્મિક જોડાણને માત્ર એરિયા બેઇઝ પાણી વેરો જ મોકલાશે, જે તા. 1 ઓક્ટોબરથી અમલી થશે. ઘણા વિસ્તારોમાં વેરા બિલ સાથે પાણી ચાર્જ લાગતો હોવાની ફરિયાદો ઊઠી હતી. જેથી, હવે એરિયા બેઝ વોટર ચાર્જને સીધા જ મિલકતવેરામાં આમેજ કરાશે. અત્યાર સુધી મહિને 20 હજાર લિટર પાણી ફ્રી ફાળવાતું હતું, જેથી પુરવઠામાં વધારો કરી, હવે 40 હજાર લિટર કરાયો છે. 40 હજાર લિટરથી વધુ વપરાશ પર પ્રતિ 1 હજાર લિટરે 8.50 રૂપિયા લેખે ચાર્જ વસૂલાશે. આ ચાર્જ પણ એરિયા બેઇઝ્ડ આકારણી વેરામાં જ આમેજ થઇને આવશે. જોકે, આ નિર્ણયથી ખુદ મુખ્ય વહીવટી અધિકારી અસંમત હોવાનો સૂર ઉઠ્યો હતો, પરંતુ શાસકોએ વ્હિટો પાવર વાપરીને દરખાસ્ત મંજૂરની મહોર મારી હતી.