આવનાર બિહારની ચૂંટણીને લઈ ભાજપ સક્રિય થયું
ચૂંટણીને લઈને ભાજપની તમામ મોરચે તૈયારીઓ
3 મોટા નેતાને બિહાર ચૂંટણી માટે જવાબદારી સોંપી
સી.આર.પાટીલને સહપ્રભારી તરીકે નિયુક્ત કરાયા
ગુજરાત વિકાસ મોડેલ લઈ બિહાર જઈશું : કેન્દ્રિય મંત્રી
હવે, બિહારની આવનારી ચૂંટણીને લઈને ભાજપે તમામ મોરચાની તૈયારીઓ આરંભી દીધી છે, ત્યારે કેન્દ્રિય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પ્રદેશ ચૂંટણીના સહપ્રભારી તરીકે નિયુક્ત કરી મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
આવનારા સમયમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાશે, ત્યારે ભાજપે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત ભાજપે 3 મોટા નેતાઓને બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મોટી જવાબદારી સોંપી છે. એક તરફ બિહારમાં કોંગ્રેસ, RJD સાથે મળીને રેલીઓ યોજીને ગ્રાઉન્ડમાં ઉતરી ચૂક્યું છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ કોંગ્રેસ અને RJD હાલ બિહારમાં ગ્રાઉન્ડમાં મજબૂત હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે વર્તમાન સમયમાં JDU સાથે ભાજપ બિહાર સરકાર અંકબધ રહે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને 2 કેન્દ્રીય મંત્રી અને એક નાયબ મુખ્યમંત્રીને બિહારની મહત્વની જવાબદારી સોંપી છે.
આ 3 નેતાઓના નામ જોઈએ તો, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ ચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપી છે, જ્યારે કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પ્રદેશ ચૂંટણીના સહપ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે વર્તમાન સમયમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યને પણ પ્રદેશ ચૂંટણીના સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે સી.આર.પાટીલને મહત્વની જવાબદારી મળતા સુરત એરપોર્ટ ખાતે ઢોલ-તાસા અને પુષ્પ વર્ષા કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં સી.આર.પાટીલે જે સક્રિય જવાબદારી નિભાવી હતી. જેને લઈ ભાજપને ખૂબ સારા પરિણામ મળ્યા છે, ત્યારે હવે બિહારની ચૂંટણીને લઈને પણ સી.આર.પાટીલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.