-
રોમીયોગીરી કરતા બદમાશો સામે પોલીસની લાલ આંખ
-
ઉધના વિસ્તારમાં એક શખ્સે 3 સગીરાની કરી હતી છેડતી
-
સગીરના પરિવારજનોએ નોંધાવી હતી પોલીસમાં ફરિયાદ
-
CCTV ફૂટેજના આધારે પોલીસે કરી નરાધમની ધરપકડ
-
આરોપી એકલો રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું
સુરત શહેરના ઉધના વિસ્તારમાં બાળકીઓની છેડતી કરનાર વિધર્મી યુવકની પોલીસે CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર તથા જીલ્લામાં રોમીયોગીરી કરતા બદમાશો સામે પોલીસે લાલ આંખ કરી છે. ઉધના વિસ્તારમાં એક યુવકે 3 સગીરાની છેડતી કરી હતી. જેના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઉધના પોલીસ હરકતમાં આવી હતી.
પોલીસે તાબડતોબ સોસાયટીના પ્રમુખની ફરિયાદ લઈ છેડતી કરનાર સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, રાત્રીના 8.30 વાગ્યે સોસાયટી પરિસરમાં 15 વર્ષની સગીરા મોપેડ પર બેઠી હતી. તે સમયે બદમાશે આવી “ઈધર ક્યું બેઠી હો..” એમ કહીને તેના ખભા પર હાથ મુક્યો હતો. આથી સગીરા ડરને મારે ત્યાંથી ભાગવા લાગી હતી. એટલામાં બદમાશે આગળ ચાલતી અન્ય 2 સગીરાઓને “કહા જા રહી હો..” કહી તેના ખભે હાથ મુકી દીધો હતો. હાથ મુકતા બન્ને સગીરાઓ જીવ બચાવી ભાગી હતી.
આ ઘટનાને લઈ સોસાયટીના રહીશો ભેગા થયા હતા. ત્યારબાદ સગીરાના પરિવારજનોએ ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. છેડતી કરનાર રોમિયોને શોધવા પોલીસ અને ક્રાઇમ બ્રાંચે મળી 8 ટીમો બનાવી હતી.
આરોપીને પકડવા માટે 400થી વધારે CCTV કેમેરાની તપાસ કરાય હતી. આ દરમ્યાન ઉધના પોલીસને સફળતા હાથ લાગી હતી. જેમાં સગીરાઓની છેડતી કરનાર આરોપી નેમુદિન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારની ઉંન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આરોપી સુરતમાં એકલો રહી સંચા મશીન ચલાવતો હોવાનું સામે આવ્યું છે.