સુરત SOG પોલીસે પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાંથી એક સાથે 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ બોગસ તબીબોમાં કેટલાક તો અગાઉ પટ્ટાવાળા હતા, અને ત્યાંથી છુટ્ટા થઇ દવાખાના શરૂ કર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
થોડા દિવસ પહેલા જ સુરત SOG પોલીસે ડીંડોલી અને પાંડેસરા વિસ્તારમાંથી 16 બોગસ તબીબોને પકડી પાડ્યા હતા. જેમાંથી કેટલાક તબીબોએ તો ફરીથી પોતાના દવાખાના શરૂ કરી દીધા હતા. આ દરમિયાન પાંડેસરા પોલીસે પણ તેમના હદ વિસ્તારમાં ડીગ્રી વગર તબીબ બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા બોગસ તબીબોને પકડવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી જીલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીઓને સાથે રાખી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં પોલીસને વધુ 15 બોગસ તબીબો મળી આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં પોતે પહેલા અલગ-અલગ દવાખાનામાં પટ્ટાવાળાની નોકરી કરતા હતા, અને ત્યારબાદ દવામાં ખબર પડવા લાગતા ક્લિનિકો શરૂ કર્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે બોગસ ડોકટરોની ધરપકડ કરી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન તથા સીરપ મળી રૂ. 59 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.