Connect Gujarat
સુરત 

સુરત : માતા-પિતાને કહ્યા વગર અમરોલીની 4 દીકરીઓ પહોચી ગઈ "દિલ્હી", જુઓ પછી શું થયું..!

સુરત શહેરના વાલીઓ માટે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરોલીની 4 દીકરીઓ કહ્યા વગર દિલ્હી જતી રહેતા માતા-પિતાના જીવ અધ્ધર થઈ ગયા હતા.

X

સુરત શહેરના વાલીઓ માટે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરોલીની 4 દીકરીઓ કહ્યા વગર દિલ્હી જતી રહેતા માતા-પિતાના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે, પોલીસની મદદથી ચારેય દીકરીઓને હેમખેમ પરત મળી આવતા વાલીઓ ભાવુક થયા હતા.

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી 4 વિદ્યાર્થીનીઓ સ્કુલે જવાનું કહી ઘરે પરત નહીં ફરતા વાલીઓએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ચારેય દીકરીઓનો કોઈ પત્તો નહીં લાગતા વાલીઓએ તાત્કાલિક નજીકના પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે વાલીની ફરિયાદને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરતા દીકરીઓ ઓરીયન્સ ડાન્સ ગ્રુપની ફેન હોવાથી ગ્રુપમાં જોડાવા માટે ઓડિશન આપવા દિલ્હી ખાતે જવા નીકળી હોવાની માહિતી મળી હતી. સુરત પોલીસે સુરત રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને ખાનગી ટ્રાવેલ્સોમાં તપાસ હાથ ધરી હતી, ત્યારે તપાસના આધારે એક ખાનગી લક્ઝરી બસમાં આ ચારેય બાળકીઓ મુસાફરી કરી હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે ચારેય બાળકીઓને હેમખેમ ઘરે લાવવા અમરોલી પોલીસે કમર કસી હતી. અમરોલી પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટરે તાત્કાલિક બસના માલિકનો સંપર્ક કરી કરી ભરૂચ આગળ પાલેજ પાસે ચારેય બાળકીઓને હોટલમાં બેસાડી દેવા કહ્યું હતું. સાથે જ ભરૂચ જિલ્લાની પોલીસનો સંપર્ક કરતાં પાલેજ પોલીસ દ્વારા ગુમ થનાર ચારેય બાળકીઓને હસ્તગત કરાવી હતી. ત્યારબાદ અમરોલી પોલીસની ટીમ ભરૂચ ખાતે પહોચી બાળકીઓનો કબજો મેળવી સહી સલામત રીતે સુરત લાવી તેઓના માતા-પિતાઓને સોંપવામાં આવી હતી, ત્યારે અમરોલી પોલીસની મદદથી ચારેય દીકરીઓ હેમખેમ પરત મળી આવતા વાલીઓએ પોલીસકર્મીઓનું ફૂલોથી સ્વાગત કરી આભાર માન્યો હતો.

Next Story