સુરત શહેર તથા જીલ્લામાં ઓટો રીક્ષામાં પેસેન્જરને બેસાડી તેમની નજર ચૂકવી પૈસા ચોરી લેતી એય્યા ગેંગનો ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પર્દાફાશ કરી રૂ. 1.52 લાખનો મુદામાલ રીકવર કર્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એય્યા ગેંગના 4 ઈસમોને ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે લિંબાયત નીલગીરી સર્કલ નજીકથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આસિફ ઉર્ફે એયા અઝીઝ ગુલામ શેખ, અફઝલ ઉર્ફે ખજૂર અલાઉદ્દીન શેખ, ઇસરાઇલ ઉર્ફે ડેની યુસુફ ચૌહાણ અને ઇમરાન ઉર્ફે સોનુ સલીમ શેખને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા 1.52 લાખ અને ઓટો રીક્ષા મળી રૂ. 3.57 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓની મોર્ડર્સ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ ઓટો રીક્ષા લઈને ચોરી કરવા નીકળતા હતા. વહેલી સવારના ચારેક વાગ્યાની આસપાસ રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, લક્ઝરી સ્ટેન્ડ, સરદાર માર્કેટ પાસે એકલદોકલ જતાં પેસેન્જરોને રીક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકવી બેગમાંથી અથવા તો ખિસ્સામાંથી રોકડા રૂપિયા સેરવી લેતા હતા. એટલું જ નહીં, પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.