/connect-gujarat/media/post_banners/3a3195fb27fc2ddf2b2af35acb7e07c7c22e2f7a95a183bed5e5529ee9ba5435.jpg)
સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં મોબાઇલની દુકાનમાં ધસી આવી તમંચાની અણીએ રૂપિયા ૩૦ હજારની લૂંટ ચલાવનાર 5 આરોપીને મુંબઈ ખાતેથી પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે આરોપી પાસેથી 2 દેશી તમંચા અને 4 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.
સુરતના પુણાગામ વિસ્તારમાં વલ્લભનગર સોસાયટીમાં રહેતા રાહુલ બધેલની દુકાનમાં ગત તા. 5 તારીખે રાત્રે મહારાષ્ટ્ર પાસિંગની બાઈક પર 3 અજાણ્યા ઇસમો આવી બંધ શટર ઉંચુ કરી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. જોકે, આ ઈસમોએ હાથમાં દેશી તમંચો અને સ્ટીલનો પાઈપ લઈ દુકાનમાં ધસી જતાં રાહુલ ગભરાય ગયો હતો. આ ઇસમોએ તમંચો કાઢી દુકાનમાં હાજર અજય પટેલ તરફ તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
દુકાનદારને ગાળો આપી "જીતના પૈસા હે, ઉતના દે દો" કહી કાઉન્ટરમાં મુકેલા આશરે 30 હજાર રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત પુણાગામ પોલીસ મથકનો કાફલો દોડી આવ્યો હતો, ત્યારે પોલીસે દુકાનમાં લાગેલા CCTV કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઇસમો મુંબઈ નાસી ગયા હોવાની બાતમીના આધારે પુણા પોલીસે તુર્ભે વિસ્તારમાંથી આરોપી રાજન પલટન સહાની, રાજુ સુરેશનાથ ગોસ્વામી, બીપીન ઉર્ફે બીટ્ટુ રામસાગર સહાની, સમરૂદ્દીન કમરૂદ્દીન અન્સારી તથા નાગનાથ દયાનંદ મૂળેકરની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 2 દેશી તમંચા અને 4 જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા.