Connect Gujarat
સુરત 

સુરત : માંડવી નજીક મુખ્ય કેનાલમાં પડ્યું 50 ફૂટ મોટું ગાબડું, પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ

કેનાલમાં ગાબડું પડતા પાણી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઈને ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

સુરત : માંડવી નજીક મુખ્ય કેનાલમાં પડ્યું 50 ફૂટ મોટું ગાબડું, પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ
X

સુરત જિલ્લાના માંડવી તાલુકાના નોગામા-વિદેશીયા ગામ નજીક મુખ્ય કેનાલમાં 50 ફૂટથી પણ મોટું ગાબડું પડતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. તો બીજી તરફ, ખેડૂતોમાં પણ પોતાના પાકમાં મોટું નુકશાન જવાની ભીતિ સેવાય રહી છે. સુરત જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે, ત્યારે માંડવીના નોગામા-વિદેશીયા ગામ નજીક મુખ્ય કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે. નોગામા નજીક કાંકરાપાર જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડતા સિંચાઈના પાણીનો વ્યય થયો છે. તો બીજી તરફ, કેનાલમાં ગાબડું પડતા પાણી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઈને ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

જોકે, ગત રાત્રીના 10 વાગ્યાના અરસામાં મુખ્ય કેનાલમાં જ ગાબડું પડતાં નાસભાગ મચી હતી. કેનાલમાંથી ધસમસતા પાણીનો પ્રવાહ ખેડૂતોના ખેતરોમાં ઘૂસ્યો હતો. કેનાલની બાજુમાં આવેલા કોતરમાં નહેરનું અડધું પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને નુકશાન થયું હતું. મુખ્ય કેનાલમાં ગાબડું પડતાં માંડવીના બૌધાન, વડેશિયા, અરેઠ, નોગામા સહિતના ગામોમાં શાકભાજીના પાકને નુકશાન થયું છે. તો બીજી તરફ, મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાતા ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.

જોકે, સમગ્ર બનાવવાની જાણ સિંચાઈ વિભાગને કરવામાં આવતા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં ગાબડું પડ્યું છે, ત્યાં મરામતની કામગીરી શરૂ કરી હતી. જોકે, સદનસીબે કેનાલમાં ગાબડું પડતા હાલ સુધી કોઈ ઘરમાં પાણી ભરાયા નથી, તેમજ કોઈ જાનહાનિના સમાચાર પણ સામે આવ્યા નથી. જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ, સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

Next Story