/connect-gujarat/media/post_banners/01676da2994abaf120251b46107f04bb9ef89613703598040ed270315e5c1e61.jpg)
સુરત શહેરમાં ડુમસના ગવિયર વિસ્તારમાં 21 વર્ષીય પરિણીતાએ પ્રેમ લગ્નના એક વર્ષમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવતીના ભાઈએ જણાવ્યું હતું કે, સાસરિયા દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હોવાથી મારી બહેને આપઘાત કર્યો છે.
મળતી માહિતી અનુસાર, સુરતના ડુમસના ગવિયર વિસ્તારમાં 21 વર્ષીય કરીના કિશન પટેલ પરિવાર સાથે રહેતી હતી. એક વર્ષ પહેલા કરીનાએ પરિવારની મરજી વિરૂદ્ધ કિશન પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, 3 મહિના બાદ પરિવારે દીકરીને સ્વીકારી લીધી હતી અને દીકરી પિયરમાં પણ આવતી હતી. કરીનાના ભાઈ નીરવ પટેલે જણાવ્યું હતું કે, કરીના પરિવારમાં એકની એક લાડકી દીકરી હતી, અને એજ્યુકેટેડ હતી. જોકે, સોશિયલ મીડિયાના માધ્યમથી ગવિયરમાં રહેતા કિશન પટેલના સંપર્કમાં આવ્યા બાદ એક વર્ષ પહેલાં ભાગીને લગ્ન કરતા પરિવાર તૂટી ગયું હતું. લગભગ 3 મહિના સુધી અબોલાની જેમ રહ્યા હતા. જોકે, એકની એક દીકરી અને 2 ભાઈઓની લાડકી હોવાથી એને સ્વીકારી ઘરે બોલાવતા થઈ ગયા હતા. કરીના ઘરે આવતી, ત્યારે માતાને જણાવ્યું હતું કે, કિશન કોઈ કામ નથી કરતો અને મને મગદલ્લા પોર્ટ પર કામ કરતો હોવાનું કહી લગ્ન કર્યા હતા. હવે, પિયરથી રૂપિયા લઈ આવવા દબાણ કરે છે. ઘરમાં પણ કામકાજને લઈ માનસિક ત્રાસ આપે છે. સાસરીમાં ઘર ચલાવવાના પણ રૂપિયા નથી, ત્યારે ઘર કંકાસથી કંટાળી ગત રોજ કરીનાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતે માતા-પિતા સહિતના પરિવારને એક કલાક બાદ જાણ થઈ હતી. કરીનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે પોલીસ દ્વારા પણ પરિવારના આક્ષેપને લઈને તપાસ કરવામાં આવી રહી છે. જોકે, નીરવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મારી પોલીસ અને સરકાર પાસે એક જ માગ છે કે, આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે. આ સાથે જ પોલીસને એક અપીલ કરું છું કે, આવું કોઈ અન્ય દીકરી સાથે ન બને તે માટે પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવાવી જોઈએ.