-
કાપોદ્રા વિસ્તારમાંથી સામે આવ્યો વધુ એક છેતરપિંડીનો કિસ્સો
-
ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે જ અન્ય ચાર્ટડ એકાઉન્ટન્ટની છેતરપિંડી
-
કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર લોકો સામે પોલીસ ફરિયાદ
-
પોલીસે ભેજાબાજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
-
ભોગ બનેલાઓએ કાપોદ્રા પોલીસ મથકનો સંપર્ક કરવા અપીલ
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે જ કરોડોની છેતરપિંડી આચરનાર અન્ય ચાર્ટડ એકાઉન્ટન્ટની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર તથા જીલ્લામાં લોભામણી લાલચમાં આવી જતાં અનેક લોકો સાથે મોટી છેતરપિંડી થઈ હોવાના કેટલાક કિસ્સાઓ અગાઉ સામે આવી ગયા છે, ત્યારે હવે ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે જ ચાર્ટડ એકાઉન્ટન્ટે છેતરપિંડી કરી હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જેમાં વધારે નફો મળશે અને ફંડ પણ સુરક્ષિત રહેશે તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી. કાપોદ્રાના ચાર્ટર્ડ એકાઉન્ટ અને તેના સંબંધીઓ સહિત 7 લોકોએ સ્ટોક માર્કેટ અને મ્યુચલફંડમાં રોકાણ કરવામાં 1.55 કરોડની રકમ ગુમાવી હતી. જેને લઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નરેન્દ્ર ઘુસા બાથાણીએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માર્શલ કનુ સરખેદી, પત્ની નિધી માર્શલ સરખેદી, પિતા કનુ પ્રેમજી સરખેદી અને માતા રસીલા કનુ સરખેદી સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.
ભેજાબાજ અલગ અલગ બોગસ વેબસાઇટ બનાવી ખોટી માહિતી આપતો હતો. જોકે, પોતાના સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ CA દ્વારા આરોપી સહિતના પરિવાર સામે કાપોદ્રા પોલીસ મથકે રૂ. 1.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપી માર્શલ કનુ સરખેદીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ છેતરપિંડીનો આંકડો રૂ. 25 કરોડ સુધી પહોંચે તેવું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. 35થી વધુ CA સહિત 100થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની પોલીસને શક્યતા વર્તાઇ રહી છે. જોકે, અન્ય કોઈ ભોગ બનેલાઓને પણ કાપોદ્રા પોલીસ મથકનો સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.