સુરત શહેરમાં એક શ્વાન પ્રેમી મહિલાએ ફાયર વિભાગની મદદથી 80 ફૂટ ઉપર પહોંચી જર્જરીત શોપિંગના આઠમા માળે ફસાયેલા શ્વાનને હેમખેમ બચાવી લીધો હતો, ત્યારે શ્વાન પ્રેમી મહિલાએ સરાહનીય કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આપે પશુઓ પ્રત્યે મનુષ્યોમાં પ્રેમ અને લાગણી હોય તેવા કિસ્સા તો ઘણા સાંભળ્યા હશે, પરંતુ આ કિસ્સો કઈક અલગ જ તરી આવ્યો છે. સુરત શહેરના અઠવા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલ જર્જરીત સરગમ શોપિંગ સેન્ટરના આઠમા માળે એક શ્વાન ફસાયો હોવાની જાણ શ્વાન પ્રેમી મહિલાને થતાં તેણીએ ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો, ત્યારે બનાવના પગલે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, ઇમારતના દાદર પણ જર્જરીત હોવાથી હાઇડ્રોલિક ક્રેઇનની મદદ લેવામાં આવી હતી. આ શ્વાન લગભગ 4 દિવસથી 80 ફૂટ ઉપર ફસાયેલું હતું. એટલું જ નહીં પણ, તે ખાધા-પીધા વગર ઝઝૂમી રહ્યું હતું. જેથી શ્વાનના કલ્પાંતની શ્વાન પ્રેમી મહિલાને જાણ થઈ હતી, ત્યારે હાઇડ્રોલિક ક્રેઇનથી શ્વાનને આઠમા માળેથી હેમખેમ નીચે ઉતારી શ્વાન પ્રેમી મહિલા તેને પોતાની સાથે લઈ ગઈ હતી. જોકે, શ્વાનને બચાવી શ્વાન પ્રેમી મહિલાએ સરાહનીય કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.