સુરતની મહાવીર હોસ્પિટલમાં આગ લાગતાં દોડધામ મચી હતી જો કે સમગ્ર કવાયત ફાયર વિભાગની મોકડ્રીલ હોવાની જાણ થતાં લોકોએ રાહત અનુભવી હતી.
રાજયમાં કોરોના કાળ દરમિયાન આપણે જોયું છે કે, અનેક હોસ્પિટલોમાં આગ લાગતાં દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને સુરતના તક્ષશીલા કોમ્પલેકસમાં આગે મચાવેલા તાંડવ બાદ ફાયર સેફટીના નિયમો કડક કરી દેવાયાં છે. હોસ્પિટલમાં આગ લાગે ત્યારે તકેદારીના શું પગલાં ભરવા તે અંગે સુરત મનપા દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું હતું.
સુરત ફાયર વિભાગના વેસુ ફાયર સ્ટેશનની ટીમ મહાવીર હોસ્પિટલ ખાતેની મોકડ્રીલમાં જોડાય હતી. ફાયર વિભગના ડી.એચ.માખીજાની, રાજેન્દ્રસિહ રાજપુત, હરીશ ગઢવી, નિલેશ દવે તથા અક્ષય પટેલ તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ હોસ્પિટલ તથા ફાયર વિભાગના સ્ટાફને આગ સમયે શું કરવું અને કેવી રીતે લોકોના જીવ બચાવી શકાય તેની માહિતી પુરી પાડી હતી.