-
લિંબાયતના ગોવિદનગર વિસ્તારમાં મોડી રાત્રે આગનો બનાવ
-
કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
-
આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો
-
આગના પગલે ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
-
કલાકોની જહેમતે સમગ્ર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો
સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર, સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદનગર ખાતે એક કાગળ અને કાપડના ભંગારનું ગોડાઉન આવેલું છે, જ્યાં ગત મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ દ્વારા પહેલા આગને વધુ પ્રસરતી રોકવામાં આવી હતી.
આજુબાજુમાં પણ ખાતાઓ અને ગોડાઉન આવેલા છે, જેને પહેલા બચાવી લેવામાં આવ્યા હતા. આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા છે. હાલ તો આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. જેથી ફાયર વિભાગ અને લોકોએ પણ રાતનો શ્વાસ લીધો હતો.
ભંગારના ગોડાઉનની આગની જાણ વિભાગને કરવામાં આવી હતી. આગ મોટી હોવાથી ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. 4 ફાયર વિભાગની 7 ફાયર ફાઇટરની ગાડીઓની મદદથી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
જોકે, ત્યાં સુધીમાં આગે આખું ગોડાઉન બાળીને ખાખ કરી દીધું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.