સુરત શહેરના સચિન GIDC વિસ્તારના તળાવમાં 2 બાળક ડૂબી ગયાં હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બનાવના પગલે ફાયર વિભાગના જવાનો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે ઘટનાના 10 કલાક બાદ બન્ને બાળકોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, સચિન GIDC વિસ્તારના એક તળાવમાં ગત મધરાત્રે 2 બાળક ડૂબી ગયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, મોડી રાત સુધી તળાવના પાણીમાં ગરકાવ બાળકોની શોધખોળ બાદ પણ નહીં મળતાં આજે સવારથી જ બોટ લઈ બાળકોને શોધવા તળાવમાં ઊતર્યા હતા. તળાવના કિનારે બાળકોનાં કપડાં મળી આવ્યાં બાદ તેઓ ડૂબી ગયાં હોવાની વાત બહાર આવતા ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી હતી.
જોકે, ઇન્ચાર્જ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ઘટના મંગળવારની રાત્રે બનતા તાત્કાલિક પોલીસ સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. રાત્રિના અંધારામાં તળાવમાં ગરકાવ બાળકોની શોધખોળ કરાય હતી. જોકે કોઈની ભાળ ન મળતા બુધવારની વહેલી સવારથી બોટ લઈ ફાયરના જવાનો તળાવમાં ઉતર્યા હતા, ત્યારે લગભગ 3 કલાકની જહેમત બાદ 13 વર્ષીય આબીદ અમજદ પઠાણ અને 14 વર્ષીય અજમેર નસીમ અંસારી નામના બન્ને બાળકોના મૃતદેહ તળાવના પાણીમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. બન્ને બાળકો સચિનના ઉન વિસ્તારના વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે. બન્ને મિત્રો શાળાએથી છૂટ્યા બાદ પરિવારની જાણ બહાર તળાવમાં નહાવા પડ્યા હતા, ત્યારે હાલ તો કરુણાંતિકા સર્જાતા પરિવારજનો શોકમાં ડૂબી ગયાં છે.