Connect Gujarat
સુરત 

સુરત : ભારત બંધનું એલાન, ખેડુતોએ ચકમો આપી પોલીસને સતત દોડતી રાખી, ઠેર ઠેર ટાયરો સળગાવાયાં

કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં સોમવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

X

કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં સોમવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં વિવિધ સ્થળોએ ખેડુતોએ વિરોધ પ્રદર્શન કર્યા હતાં.

કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં છ મહિના ઉપરાંતથી ખેડુતો આંદોલન કરી રહયાં છે પણ સરકાર ઝુકવા તૈયાર નથી. સંયુક્ત કિસાન મોરચાએ સોમવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારત બંધના પગલે વિરોધ પ્રદર્શન રોકવા માટે પોલીસ અને વિરોધ કરવા ખેડુતો સજજ બન્યાં હતાં. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો માંગરોળ, કામરેજ, બારડોલી સહિતના સ્થળોએ ખેડુતો સવારથી જ વિરોધ પ્રદર્શન કરવા એકત્ર થયાં હતાં.

સુરત જિલ્લાના અલગ અલગ તાલુકા મથકોએથી ખેડુતો ઓલપાડ ખાતે એકત્ર થયાં હતાં. ખેડુતો એકત્ર થયા હોવાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ સહિતના આગેવાનોની અટકાયત કરી લીધી હતી. આગેવાનોની અટકાયત કરાતાં ખેડુતો રોષે ભરાયાં હતાં અને પોલીસ સ્ટેશનની બહાર જ ધરણા શરૂ કરી દીધાં હતાં.

ભારત બંધના એલાનને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ સમર્થન આપ્યું હતું. ગુજરાત ભાજપ શાસિત રાજય હોવાથી ખેડુતોના વિરોધ પ્રદર્શનને રોકવા માટે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. સુરત જિલ્લામાં ઠેર ઠેર પોલીસ અને ખેડુતો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. સુરતના ઉભેળ ગામ નજીક નેશનલ હાઇવે પર ખેડુતોએ ટાયર સળગાવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

સુરત જિલ્લામાં ખેડુતો કૃષિ કાયદાઓના વિરોધમાં આક્રમક જોવા મળ્યાં હતાં. મુંબઇ અને દિલ્હીને જોડતા નેશનલ હાઇવે પર કામરેજ પાસે પણ ખેડુતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસને ચકમો આપી ખેડુતોએ હાઇવે પર ટાયરો સળગાવતાં થોડા સમય માટે વાહન વ્યવહાર ઉપર પણ અસર જોવા મળી હતી.

Next Story