સુરત : હીરામાં આવેલી મંદીથી હારી વધુ એક રત્ન કલાકારનો આપઘાત, રત્ન કલાકારોની કથડતી સ્થિતિ ચિંતાનો વિષય..!

સુરત શહેરમાં હીરામાં મંદીના કારણે વધુ એક રત્ન કલાકારે ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લીધી હતી. તો બીજી તરફ, છેલ્લા દોઢ વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે.

New Update

આપઘાતને અંજામ આપતા પહેલાં યુવકે વીડિયો પણ બનાવ્યો
કહ્યું : હીરામાં મંદીના કારણે જાઉં છું, બાળકોનું ધ્યાન રાખજો...

Advertisment

 

સુરત શહેરમાં હીરામાં મંદીના કારણે વધુ એક રત્ન કલાકારે ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લીધી હતી. તો બીજી તરફ, છેલ્લા દોઢ વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે, જે રત્ન કલાકારોની કથડતી સ્થિતિને લઈ ચિંતાનો વિષય બન્યો છે.

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં સતત હીરાની ચમક ઘટી રહી છે. હાલ મંદીએ હીરાના ધંધાને બરોબર ભરડામાં લઈ લીધો છે. જેને લઈને રત્ન કલાકારો સહિત સૌકોઈ હેરાન પરેશાન થઈ ગયા છે. લોકો હવે હીરાના ધંધાથી દૂર થઈ રહ્યા છે, ત્યારે હીરામાં આવેલી મંદીથી હારી વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો હતો.

 મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલીના સતરાવા ગામના રહેવાસી અને હાલ સુરત-કામરેજના શેખપુર ગામે આવેલા હરીદર્શન સોસાયટીમાં રહેતા 40 વર્ષીય મનસુખ સૌદરવા હીરા મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે હીરામાં મંદી હોવાના કારણે તેઓ આર્થિક સંકળામણમાં આવી ગયા હતા. જેથી તેઓ સતત તણાવમાં રહેવા લાગ્યા હતા.

આખરે ગત તા. 1 જાન્યુઆરી-2025ના રોજ તેઓએ ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. રત્ન કલાકારે આપઘાત કરતા પહેલાં વિડિયો પણ બનાવ્યો હતો. જેમાં તે હીરામાં આવેલી મંદીથી કંટાળી આપઘાત કરતો હોવાનું જણાવી રહ્યો છે. આ સાથે જ દુ:ખભર્યા સ્વરે મારા બાળકોનું ધ્યાન રાખજો તેમ પણ કહી રહ્યો છે. સમગ્ર બનાવની જાણ થતાં જ કામરેજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી.

તો બીજી તરફ, ઘટના અંગે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ જણાવ્યુ હતું કે, છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે મદદની માંગ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં હડતાળ યોજી સરકાર સામે સહાયની પણ માંગ કરી હતી, જ્યારે છેલ્લા દોઢ વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા હોવાનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે.

Advertisment

જોકે, હાલ રત્ન કલાકારોની કથડતી સ્થિતિને લઈ ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે સરકાર વહેલી તકે કોઈ આર્થિક સહાય કે, મદદ નહીં કરે તો આ આંકડો વધવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

 

Advertisment
Latest Stories